વડોદરા : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇને વિમાન અમૃતસરથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યું હતું.
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોમાંથી 37 ગુજરાતી છે. જેમાં અંકલેશ્વરની એક અને પાદરા તાલુકાના લુણા ગામની એક યુવતીનો પણ સમાવેશ થાય છે.લુણા ગામની 27 વર્ષની યુવતી ખુશ્બુ પટેલના સંબંધીઓનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે ખુશ્બુને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી છે તે વાતની જાણકારી તો અમને પણ ન્યૂઝ દ્વારા જ જાણવા મળી પણ તેને ડિપોર્ટ કેમ કરવામા આવી છે એ વાતની જાણકારી તો એ પરત આવશે ત્યારે જ ખબર પડશે.સંબંધીઓનું કહેવુ છે કે ખુશ્બુનું અમદાવાદમાં રહેતા યુવક સાથે આઠ મહિના પહેલા લગ્ન થયુ હતું.
ખુશ્બુ તાજેતરમાં જ અમેરિકા ગઇ હતી. તે અમેરિકા પહોંચી તેને હજુ તો 25 દિવસ જ થયા છે. પરંતુ તેને ડિપોર્ટ કેમ કરી તે વાત અમને સમજાતી નથી. અમે હાલમાં તો ચિંતામાં છીએ કે આગળ શું થશે. ઉજ્જવળ ભવિષ્ય માટે તે અમેરિકા ગઇ હતી. જો કે અમારી દીકરી પરત આવી રહી છે તો અમે તેનું સ્વાગત કરીશું.લુણા ગામાની યુવતી ખુશ્બુના પિતા જયંતીભાઇ પટેલ ખેઙૂત છે. ખુશ્બુએ ધો.12 સુધી અભ્યાસ કર્યો હોવાનું અને થોડો સમય વડોદરાના અટલાદરા વિસ્તારમાં પણ રહેતી હતી એવી જાણકારી મળી રહી છે. પાદરા તાલુકાના લુણા ગામની યુવતી અને અંકલેશ્વરની યુવતી અમૃતસરથી બુધવારે અમદાવાદ પહોંચી શકે છે જે બાદ તેઓ પોતાના વતનમાં આવશે તેવી જાણકારી મળી રહી છે.
Reporter: admin