News Portal...

Breaking News :

બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા લાઠી-ડંડા વડે ભક્તો પર હુમલો

2024-11-04 14:01:16
બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા લાઠી-ડંડા વડે ભક્તો પર હુમલો



બ્રેમ્પટન : કેનેડામાં કટ્ટર ખાલિસ્તાનીઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અવારનવાર મંદિરોમાં તોડફોડ બાદ હવે તો ભક્તો પર પણ હુમલા શરૂ થઈ ગયા છે. બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓએ લાઠી-ડંડા વડે ભક્તો પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં કેનેડાની ટ્રુડો સરકાર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. 
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હાથમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાવતા શખ્સો હિન્દુઓ પર હુમલો કરી રહ્યા છે. આ મામલે ભારત સરકારે ઘણી વખત કેનેડામાં ખાલિસ્તાનીઓના વધતાં ત્રાસનો મુદ્દો ઉઠાવ્યો છે. 



હિન્દુઓ પર હુમલા બાદ કેનેડાનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ ટ્રુડો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેનેડાના વિપક્ષના નેતા પોઈલિવરે X પર પોસ્ટ કરીને કહ્યું, કે 'હિન્દુ મંદિરમાં ભક્તો પર આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયન્સને શાંતિપૂર્વક પોતાની આસ્થા અને ધર્મનું પાલન કરવા દેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી આ ઘટનાને વખોડે છે. હું અરાજકતા વિરુદ્ધ લોકોને એક કરીશ અને તેને ખતમ કરીશ.' 



કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલા અંગે કહ્યું છે, કે 'બરેમ્પટનમાં હિન્દુ મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. ઘટનાસ્થળ પર લોકોની સુરક્ષા તથા તપાસમાં ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે સ્થાનિક પોલીસનો આભાર.' 
કટ્ટર ખાલિસ્તાન સમર્થકો અવારનવાર હિન્દુ મંદિર પર હુમલો કરતાં રહે છે. આ વર્ષે જ જુલાઇ મહિનામાં જ આલ્બર્ટામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. એડમોન્ટનમાં પણ સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી નારા લખવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post