વડોદરા કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે કાંડ થયા છે તેનો જવાબ આપવામાં કમિશનર રાણાજી ભાગી રહ્યા છે. તેઓ બંને વિવાદમાં ઘેરાઇ ગયા છે અને તેથી જ જવાબ આપવામાં ભાગી રહ્યા છે.

કોર્પોરેશની બંને મહત્વની જગ્યાઓ પર કમિશનર રાણાજીએ મનમાની કરી છે તે હવે જગજાહેર થઇ ગયું છે. બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોને બંને મહત્વની જગ્યા પર ભરતી કરી દેવાઇ છે અને વડોદરાનો શાસક પક્ષ મૂકપ્રેક્ષક બનીને જોઇ રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઇ છે અને તેની ઉંડી તપાસથવી જરુરી છે. જો ગેરરિતીના થઇ હોય તો કમિશનર રાણાજીએ મીડિયા સમક્ષ આવીને જાહેરાત કરીને તમામ દસ્તાવેજો જગજાહેર કરી દેવા જોઇએ અને બંને ભરતીમાં નિયમો મુજબ પાદર્શીતા દાખવાઇ હોવાના પુરાવા જાહેર કરવા જોઇએ અને તો જ વડોદરા શહેરની જનતા કમિશનર રાણાજી પર વિશ્વાસ મુકશે અન્યથા કોર્પોરેશનમાં થયેલા પ્રત્યેક નિર્ણયો પાછળ શંકા થવા લાગશે. કમિશનર રાણાજીએ કોર્પોરેશનની તમામ ભરતીમાં રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાવી પોતાને મનફાવે તેવા નિયમો બનાવી દીધા છે . કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ પર જે ભરતી થઇ છે તેમાં ભરતીનું તો માત્ર નાટક થાય છે. વાસ્તવમાં તો તે જગ્યા માટેના ઉમેદવારની પસંદગી કમિશનરે અગાઉથી જ કરી દીધી હોય છે તેવું હવે ખુલ્લેઆમ કોર્પોરેશનમાં ચર્ચાવા માડ્યું છે. તેમણે જે નિયમો બનાવ્યા છે તેમાં આશ્ચર્યજનક ઇલેકટ્રીકલ , મિકેનિલ વિભાગમાં કોર્પોરેશનના હંગામી કર્મચારીઓને 50 ટકા રિઝર્વેશન લાભ અપાતો નથી. જો તમે સિવીલ વિભાગના પાલિકાના હંગામી કર્મચારીઓને 50 ટકા અનામતનો લાભ આપો છો તો ઇલેકટ્રીકલ અને મિકેનીકલ વિભાગના હંગામી કર્મચારીઓને આ લાભ કેમ અપાતો નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ, જો તમારે આ રીતે જ લેવાના હોય તો પછી ભરતીનું નાટક શા માટે કરો છો. કોર્પોરેશનનો સામાન્ય વહિવટ વિભાગ, કમિશનર, સ્થાયી સમિતી ચોક્કસ માનીતાઓને ફાયદો કરાવવા માટે સરકારના ધારાધોરણો કરતા વિરુદ્ધ ભરતીના નિયમો બનાવી ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે અને આ બધાના કારણે જ આજે વડોદરા સુરત અને અમદાવાદથી પાછળ છે. જેનો ભોગ પ્રજા અને લાયક ઉમેદવારને ભોગવવો પડે છે. ખરેખતો જીપીએમસીના કાયદા મુજબ ભરતીના નિયમો રાજ્ય સરકાર સાથે સુસંગત હોય તે મુજબના અને રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ જ બદલી શકાય છે છતાં કોર્પોરેશન પોતાના માનીતાઓને ફાયદો કરાવવા તેનું છડેચોક ઉલ્લંઘન કરે છે. સીધી ભરતીમાં આવું અંદરના લાગતા વળતાનું નિયમ વિરુદ્ધનું આરક્ષણ દુર કરી તમામને સીધી ભરતીની 100 ટકા જગ્યાઓ માટે સ્પર્ધા કરવાનો મોકો મળે તે માટે આ અનામત દુર કરવી જોઇએ અને મનસ્વીપણે સત્તાનો દુરપયોગ કરવાવાળા પર કડક પગલાં લેવાવા જોઇએ. જ્યારથી પીએ ટુ કમિશનરની ભરતીનો વિવાદ ચગ્યો છે, કમિશનર રાણાજીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. તેઓ ક્યા આધારે આ ભરતી થઇ છે તેનો જવાબ આપવાથી ભાગી રહ્યા છે. તેમણે વડોદરાની જનતાને આ જવાબ આપવો જોઇએ કે ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતી પાલિકાના ક્યા નિયમોને આધીન કરવામાં આવી છે કારણ કે વડોદરાવાસીઓ જ પાલિકાના અસલી માલિક છે. કમિશનર રાણાજી નહી...તેઓ એમ સમજે છે કે હું જ વડોદરાનો અને પાલિકાનો અસલી રાણાજી છું પણ તેઓએ સમજી લેવું જોઇએ કે હવે લોકશાહી છે અને લોકો જ કોર્પોરેશનના અસલી માલિક છે અને તમે અને અન્ય અધિકારીઓ લોકોના પગારદાર છો.
કમિશર સાહેબ મનોજ પાટીલના દસ્તાવેજો ચેક કરતા 10 દિવસ થી વધુ સમય લાગે ?તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને કમિશનરે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક તો કરી દીધી પણ જ્યારે વિવાદ ચગ્યો ત્યારે કમિશનરે પોતે જ એમ કહ્યું હતું કે ઉમેદવારના દસ્તાવેજો ચકાસવામાં આવશે. પણ કમિશનર જેમ બીજી વાતો અને વિકાસના કામો ભુલી જાય છે તેમ આ કિસ્સામાં પણ બન્યું છે અને તેમણે હજું સુધી જવાબ આપ્યો નથી. મનોજ પાટીલ પણ ફોન ઉપાડતા બંધ થઇ ગયા છે. બંને એમ માને છે કે જવાબ જ નહી આપીશું તો તેમણે જે કાંડ કર્યો છે તેને વડોદરાની જનતા ભુલી જશે પણ બંને ખાંડ ખાય છે. અમે વડોદરાની જનતાને ભુલવા નહી દઇએ અને રોજ તમારી પાસે જવાબ માગીશં. આ વાતને 10 દિવસ કરતા વધુ સમય થઇ ગયો પણ પાલિકાના કર્મનિષ્ઠ અને કર્મશીલ અધિકારીઓ પ્રમાણપત્રો કે દસ્તાવેજોની ખરાઇ કરી શક્યા નથી. અને એટલે જ બંને ભરતીમાં આખી દાળ કાળી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે ચીફ ફાયર ઓફિસરની ભરતી બહાર પડી, ત્યારે તેઓ વડોદરા ના અને ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટમાંથી કર્મચારી લઈ આવ્યા છે. આ કેસમાં તેઓ ફાયર ના જ અનુભવી કર્મચારીને પ્રમોશન આપીને ફાયર ઓફિસર બનાવી શકત. જો કોઇ કર્મચારી પાલિકામાં કાયમી છે અને અનુભવી છે તો તેઓને પ્રમોશન આપવું જોઈએ.તેવી સ્પષ્ટ લાગણી પાલિકાના કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

અનુભવ વગરના ચીફ ફાયર ઓફિસરને કેમ ડિસ્ક્વોલીફાય કરાયા નથી...ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક પણ વિવાદોના ઘેરામાં છે. તેઓ આરઆર મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા જ નથી. પાલિકાની સામાન્ય સભાએ પણ મનોજ પાટીલની નિમણુકની કમિશનરે કરેલી દરખાસ્તને નામંજુર કરી દીધી હતી પણ ત્યારબાદ એવું કંઇક થયું કે સામાન્ય સભાએ પણ બહાલી આપી હતી. પરંતુ પાલિકાના આરઆર મુજબ નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલને અત્યાર સુધી કમિશનર રાણાજીએ કેમ ડિસ્ક્વોલીફાઇ કર્યા નથી તેવો સવાલ શહેરભરમાં પુછાઇ રહ્યો છે. હવે તો ચીફ ફાયર ઓફિસર પણ ખુલ્લામાં આવીને જવાબ આપી શકે તેવી સ્થીતીમાં નથી કે તેમણે ક્યારે કઇ કોલેજમાંથી અભ્યાસ કરેલો છે અને પાલિકાના નિયમ મુજબ ફાયર ક્ષેત્રે કોઇ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં કેટલા વર્ષનો તેમને અનુભવ છે. અનુભવ વગરના ચીફ ફાયર ઓફિસરની બોલતી બંધ થઇ ગઇ છે
શહેરના દાંડીયા બજારનું છાપરાવાળુ ફાયર સ્ટેશન ક્યારે ખસેડાશે પાલિકા એ થોડા દિવસ પહેલા 5.80 કરોડના ખર્ચે બદામડી બાગ ખાતે નવી ફાયર ઓફિસનું લોકાર્પણ કર્યું છતાં પણ દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે છાપરા વાળું ફાયર સ્ટેશન હજી પણ ચાલી રહ્યું છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા તે જૂનું ફાયર સ્ટેશન ડીમોલેશન કરી દેવાયુ હતું અને હવે નવું ફાયર સ્ટેશન બદામડી ખાતે બનાવવામાં આવ્યું છે. જ્યારે નવું ફાયર સ્ટેશન બની ગયું છે અને લોકાર્પણ પણ થઈ ગયું છે ત્યારે જૂનું ફાયર સ્ટેશન કે જે દાંડીયા બજાર ખાતે છાપરામાં ચાલે છે તે બદામડી બાગ ખાતે બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરે નવી ઓફિસમાં શિફ્ટ કરી દેવું જોઇએ. હવે ઉનાળો શરુ થઇ ગયો છે ત્યારે છાપરામં બેસી ને કામ કરી રહેલા કર્મચારીઓને ભારે તકલીફ પડે તે સ્વાભાવિક છે,. છાપરાવાળુ ફાયર સ્ટેશન હોવાથી વધુ ગરમી લાગે તે સ્વાભાવિક છે. પણ હવે જ્યારે નવુ ફાયર બ્રિગેડની ઓફિસ તૈયાર થઇ ગયું છે ત્યારે 10 દિવસ પછી પણ આ ફાયર સ્ટેશન તેના મુળ સ્થાને યથાવત છે. તેને બદામડી બાગ ખાતે હજું ખસેડાયું નથી. છાપરા વાળું ફાયર સ્ટેશન ફક્ત વડોદરામાં જ હોઈ શકે. આના કારણે પાલિકાનો ખર્ચ વધે છે અને જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે અલગ અલગ ટીમ ના બનાવી પડે, વહીવટી ખર્ચ ઓછો થાય પણ ફાયર વિભાગના બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર નો અણગઢ આયોજન, વહીવટી સૂઝનો અભાવ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ફૂટપટીયું ફાયર સ્ટેશન બંધ કરવું જોઈએ. બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરે તાત્કાલિક ધોરણે ઓફિસ ત્યાં શિફ્ટ કરવી જોઈએ, અને તેઓ પણ અત્યારે સીસીસી માં બેસે છે તેઓએ પણ તાત્કાલિક ધોરણે તેમની ઓફિસ શિફ્ટ કરવી જોઈએ...બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર શું કરી રહ્યા છે તે ખબર પડતી નથી. બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરે આ ફાયર સ્ટેશન તત્કાળ ખસેડવું જોઇએ તેમાં કોઇ મૂહુર્તની રાહ જોવાની હવે જરુર નથી.

Reporter: admin