વડોદરા શહેર-જિલ્લામાં આયુષ્માન કાર્ડના લક્ષ્યાંકમાં ૮૦ ટકા સિદ્ધિ; કુલ ૧૧.૨૬ લાખ કાર્ડ વિતરણ કરાયા

આયુષ્માન ભારત યોજના – વિશ્વની આ સૌથી મોટી આરોગ્ય યોજના કે જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકારની એક મહત્વાકાંક્ષી આરોગ્ય વીમા યોજના છે. તેનો ઉદ્દેશ દેશના ગરીબ અને નબળા વર્ગના નાગરિકોને મફત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવાનો છે.વડોદરાનો આરોગ્ય વિભાગ આ યોજનાના મૂળ હેતુને ના તો માત્ર સ્પર્શી રહ્યો છે, પરંતુ તેને મૂર્ત સ્વરૂપ પણ આપી રહ્યો છે. આવું એટલા માટે કહી શકાય કે, શહેર-જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાને મળેલી સફળતાના આંકડા તેનો જીવંત પુરાવો છે. આંકડાકીય વિગતો પર નજર નાખીએ તો, જુલાઈ-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ સુધીમાં વડોદરા શહેર-જિલ્લામાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત કુલ ૫૭,૬૧૨ લોકોને મફત સારવાર મળી છે. જે બદલ આર્થિક સહાય રૂપે સરકારે સ્વાસ્થ્ય વીમા કવચ થકી કુલ રૂ. ૧૪૩.૩૦ કરોડના મસમોટા ખર્ચમાંથી મુક્તિ અપાવી છે. આપને એ પણ જણાવી દઈએ કે, સપ્ટેમ્બર-૨૦૧૮ (એટલે કે રાષ્ટ્રીય સ્તરે આયુષ્માન ભારત યોજનાનો શુભારંભ થયા બાદ) થી એપ્રિલ-૨૦૨૫ સુધીમાં વડોદરા શહેર-જિલ્લામાં કુલ ૧૧.૨૬ લાખથી વધારે લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાયા છે અને તેઓને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે.આ જ રીતે છેલ્લા સાત મહિનામાં એટલે કે, આયુષ્માન વય વંદના યોજનાનું અમલીકરણ શરૂ થયું ત્યારથી ચાલુ મહિનાના ગત સપ્તાહ સુધીમાં શહેર-જિલ્લામાંથી કુલ ૩૮,૨૫૫ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા છે અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આપને અહીં એ જણાવી દઈએ કે, આયુષ્માન વય વંદના કાર્ડ એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સામાજિક કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ૭૦ અને તેથી વધુ વર્ષથી ઉપરના તમામ વડીલોને રૂ. ૧૦ લાખ સુધીની નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી છે. આ કાર્ડ મેળવવા માટે ફક્ત આધારકાર્ડની જરૂર પડે છે.

પરંતુ, શરત માત્ર એટલી છે કે આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક થયેલું ફરજીયાત છે. નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોએ ચોક્કસથી આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવી લેવું જોઈએ. હવે, તમને એ પણ જણાવી દઈએ કે, આયુષ્માન કાર્ડ જો આવકના દાખલા આધારિત હોય તો દર ત્રણ વર્ષે તેને રિન્યુ કરાવવું જરૂરી છે. NFSA કેટેગરી, મા કાર્ડ કેટેગરી અને વય વંદના કેટેગરીમાં તે લાગુ નથી પડતું. પરંતુ, કોઈ પણ કેટેગરીમાં નવા કાર્ડ કઢાવવા માટે કે રિન્યુ કરાવવા માટે આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. તમે નજીકના કોઈ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર પર આયુષ્માન કાર્ડની નવી નોંધણી કે રિન્યુ કરાવી શકો છો. આ ઉપરાંત આયુષ્માન એપ અથવા PM-JAY ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.મહત્વનું છે કે, આયુષ્માન ભારત યોજનાએ દેશના જન-જનનું આયુષ્ય વધાર્યું છે. નબળા વર્ગના નાગરિકોને આરોગ્ય સેવાઓમાં સહાયરૂપ થવા માટે સરકારશ્રીનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના થકી ગરીબોને મફત સારવાર આપીને ભારત ‘આયુષ્માન ભારત’ બની રહ્યું છે, ત્યારે તમે આ યોજનાથી વંચિત તો નથી ને? જો તમે પાત્રતા ધરાવતા હો, તો આ યોજનાનો લાભ લઈને તમારા અને તમારા પરિવારના આરોગ્યને સુરક્ષિત બનાવો.

Reporter: