News Portal...

Breaking News :

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ: રાજસ્થાનમાં પારો 48 ડિગ્રી, દિલ્હીમાં 45 ડિગ્રી તાપમાન

2025-06-12 10:32:59
ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ: રાજસ્થાનમાં પારો 48 ડિગ્રી, દિલ્હીમાં 45 ડિગ્રી તાપમાન


દિલ્હી : ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભયંકર હીટવેવને પગલે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ તાપમાન સમગ્ર દેશમાં સૌથી વધારે હતું. 



દેશની રાજધાની દિલ્હીના વિવિધ હવામાન કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 40.9 થી 45 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જો કે દિલ્હીવાસીઓને 51.9 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઇ હતી. દિલ્હીમાં હિટ ઈન્ડેક્સની વાત કરીએ તો તે 51.9 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. હિટ ઈન્ડેક્સ એને કહેવાય છે કે જે ભેજને સામેલ કરતાં કેટલી ગરમી અનુભવાય છે તેને માપે છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર 13 જૂન સુધી તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે. 



ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લેોકોને ગરમીથી રાહત મળશે.આઇએમડીએ વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 26-27 મેથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિર થઇ ગયેલુ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે થી ત્રણ દિવસમાં પુનર્જીવિત થશે.આ વખતે ચોમાસુનું વહેલા આગમન થઇ જતાં ભારતમાં મે મહિનો સામાન્ય કરતા ઠંડો રહ્યો છે. જો કે જૂનમાં વરસાદ ન પડતા આઠ-નવ જૂનથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હિટવેવ જોવા મળી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના કુલ 22 સ્થળોએ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનનના શ્રી ગંગાનગરમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી 6.5 ડિગ્રી વધારે હતું. રાજસ્થાનના ચિત્તોડગઢમાં 45.7, ચુરુ અને ફાલોદીમાં 45.8 ડિગ્રી, જયપુરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post