ફરીદાબાદ : ગુજરાત એટીએસે હરિયાણા એસટીએફની સાથે મળી કરેલા ઓપરેશનમાં રામ મંદિર પર હુમલાની તૈયારી કરી રહેલા આતંકવાદીને ઝડપી લીધો છે.
એટીએસ અને એસટીએફે ખુલાસો કર્યો છે કે, આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી ટ્રેનિંગ લઈને આવ્યો હતો. એનઆઈએ સાથે મળીને ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફે ફરીદાબાદથી ૧૯ વર્ષના આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે. એજન્સીઓએ આતંકીની પૂછપરછ બાદ રામ મંદિર પર આતંકી હુમલાનો પર્દાફાશ કર્યો છે. આતંકીની બાતમીના આધારે એજન્સીઓએ ભોયરામાં છૂપાયેલા બે ગ્રેનેડ જપ્ત કર્યા છે.
રામ મંદિર પર હુમલો કરવા માટે આઈએસઆઈએ તેને ટ્રેનિંગ આપી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી તરફથી તેને બે હેંડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા. જેને તે અયોધ્યા લઈ જવાનો હતો. આતંકી પાસેથી ઘણા શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે. જેમાં, દેશના ધાર્મિક સ્થળો વિશેની માહિતી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, અબ્દુલ રહેમાન માંસ વેચવાનો વ્યવસાય કરે છે. તે જમાતોમાં જતો હતો. અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી રહેમાન, શંકરના નામે ફરીદાબાદના પાલીમાં છૂપાયેલો હતો. તે અહીં એક ટયુબવેલ રૂમમાં રહેતો હતો. જેના માલિકનું થોડા દિવસ પહેલા જ અવસાન થયું હતું.
Reporter: admin