1 આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાત આજે તેના ૬૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મહાગુજરાતની ચળવળથી આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી. બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈ રાજ્યને વિભાજિત કરીને બે નવા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.
દેશની સ્વતંત્રતા બાદ ભાષાના આધારે રાજ્યોની રચના માટેની માંગને લઈને ૧૯૫૬મા આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી. ત્યારબાદ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાષાકીય રાજ્ય રચવાની માંગે જોર પકડ્યું. તેના એક મોટું આંદોલન ચલાવાયું. ખરેખર તો આ લડત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ થઇ હતી અને ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય નાયક ગુજરાતના ઇન્દુચાચા એટલે કે ઈન્દુલાલ યાજ્ઞિક હતા. પ્રજામાં જાગેલા અદ્વિતીય વિરોધ બાદ અંતે કેન્દ્ર અને મુંબઈ સરકારને નમતું જોખવું પડ્યું હતું અને અસ્તિત્વમાં આવ્યું સ્વતંત્ર ગુજરાત રાજ્ય.
ગુજરાતનો ૬૪મો સ્થાપના દિવસ ૨૪ની લોકસભા ચૂંટણીનાં સમયમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીત તમામે ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!”
Reporter: News Plus