News Portal...

Breaking News :

વડોદરામા સોનું ખૂબ મોંઘું થતાં સોની બજારો સૂમસામ

2024-04-27 18:28:01
વડોદરામા સોનું ખૂબ મોંઘું થતાં સોની બજારો સૂમસામ

મૂલ્યવાન સોનાના ભાવમાં અતિશય અફરાતફરી થતા ગ્રાહકો ખરીદીથી વિમુખ થઇ ગયા છે. મહિનામાં સાત હજાર રૂપિયાનો વધારો અને ફટાફટ બે હજારના કડાકા પછી પ્રસંગોપાત સોનું ખરીદનારા પણ અટકી ગયા છે, જેના કારણે સોની બજારો સૂમસામ થઇ ગઇ છે. કારીગર વર્ગ મોટેભાગે બેકાર થઇ ગયો છે. સોનાના સળગી રહેલા ભાવ છતાં જૂનું સોનું વેચાણ માટે પણ નહીં જેવું આવે છે. 24 કેરેટ શુદ્ધ સોનું એપ્રિલ મહિનાના આરંભમાં 10 ગ્રામ દીઠ રૂ. 68000માં મળતું હતું. એના રૂ.75000 થઇને અત્યારે રૂ. 73000 છે. મહિનામાં 7 હજારની મૂવમેન્ટથી ગ્રાહકો અને ઝવેરીઓ બધા જ આશ્ચર્યની સાથે ગભરાટમાં આવી ગયા છે.વડોદરાની સોની બજારમાં જથ્થાબંધ દાગીના બનાવનાર એક ઉત્પાદક કહે છે, સોની બજાર, એમજી રોડ અને અલકાપુરી રોડ જેવી બજારોમાં બહુ મોટી સંખ્યામાં ઝવેરાતના શોરૂમ છે પણ બધે જ વેચાણ તળિયે છે. પ્રસંગોપાત ખરીદી આવતી હોય તે બજારને અસર કરે નહીં એવી છે. ઘણો વર્ગ જૂનું સોનું આપીને સામે નવું ખરીદે છે પણ ફ્રેશ બાઇંગ આવતું નથી. કોઇને પણ સોનાનો ભાવ પચતો નથી એટલે બજારમાં અત્યારે ઘરાકીના નામે ઝીરો જેવી સ્થિતિ થઇ ગઇ છે.

તેમણે કહ્યું કે, સોનાના ભાવ બે દિવસમાં રૂ. 2 હજાર જેટલા ટોપ લેવલથી ઘટયા છે એટલે ઘરાકીને વધુ ફટકો પડયો છે. હવે ભાવ ઘટવાની રાહે નવી માગમાં રૂકાવટ છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો તનાવ હળવો થાય તો સોનું ઘટશે એવી આશાએ મોટાભાગનાએ ખરીદીમાં બ્રેક લગાવી છે.જોકે નવા સોનાની ખરીદી નથી એ રીતે જૂનું સોનું પણ ઉંચા ભાવ છતાં વેચાણ માટે આવતું નથી. આવે તો પણ સોદા કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે તેમ એક ઝવેરીએ કહ્યું હતુ. ચૂંટણી આચારસંહિતાને લીધે રોકડની હેરફેરમાં મુશ્કેલી છે. આંગડિયા પેઢીઓમાં કામકાજો ઠપ થઇ ગયા છે એટલે પણ  રોકડની ભારેખમ અછત પણ છે એટલે બુલિયન ડિલરોને  ત્યાં જ થોડાં સોદા પડે છે. બજાર વધુ સુધરશે એવી ગણતરીએ પણ નવા વેચાણમાં રૂકાવટ દેખાય છે.થોડાં જ દિવસોમાં અખાત્રીજના મુહૂર્તમાં શુભપ્રસંગો આવશે એ માટે સોનાની ઘરાકીમાં થોડીક ચહેલ પહેલ છે પણ બજારની રોનક છીનવાઇ ગઇ છે. મધ્યપૂર્વમાં કટોકટી હળવી થાય અને ભાવ નીચે આવે તો ઘરાકી એકદમ વધશે એવો વિશ્વાસ ઝવેરીઓએ વ્યક્ત કર્યો હતો.

Reporter: News Plus

Related Post