વડોદરા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), વડોદરા મહાનગર, દ્વારા ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ABVP ના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સેફ્રોન ટાવરથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી પદયાત્રા યોજીને પહોંચ્યા હતા.લાંબા સમયથી GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ, ફોર્મ ભરવામાં થતી મુશ્કેલીઓ, સર્વર ડાઉન થવા જેવી અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઉપરાંત, પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, હેલ્પલાઇન નંબર પર અપૂરતો પ્રતિસાદ અને માહિતીનો અભાવ જેવી ફરિયાદો પણ વ્યાપક બની છે. ABVP એ વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને વાચા આપવા અને યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે આ આવેદનપત્ર આપ્યું છે.

ABVP ના કાર્યકરોએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલની આ ખામીઓના કારણે વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે અને તેઓ પ્રવેશ પ્રક્રિયાને લઈને ચિંતિત છે. તેમણે યુનિવર્સિટી સત્તાધીશોને તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને સુચારુ પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.સાથે જ ABVP એ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.



Reporter: admin