News Portal...

Breaking News :

કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના કન્ટેનર ઉઠાવી લેવાયા

2025-05-24 18:02:53
કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના કન્ટેનર ઉઠાવી લેવાયા


વડોદરા:  શહેરના કારેલીબાગ વિસ્તારમાં લોકોના ઘરનો કચરો ફેંકવા માટે કોર્પોરેશન દ્વારા જે કન્ટેનર મૂકવામાં આવેલા તે ઉઠાવી લેવામાં આવતા લોકો હવે કચરો બહાર રોડ પર નાખે છે, જેના કારણે આખો દિવસ કચરો રોડ પર પડ્યો રહે છે અને ગંદકી ફેલાવે છે. 


એક બાજુ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને બીજી બાજુ કચરાના કન્ટેનર ઉઠાવી લે છે તેના કારણે ગંદકી વધુ ફેલાતી રહે છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે કે શહેરમાં ખાસ કરીને રહેણાંક સ્થળોએ સવારે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનું વાહન કચરો લઇ ગયા બાદ દિવસ દરમ્યાન ઘરોમાં ભેગો થતો કચરો નાખવા માટે ચોક્કસ સ્થળો ઉપર કન્ટેનરો મુકેલા હતા. કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા પાસે બાળ રિમાન્ડ હોમ નજીક પસાર થતી વરસાદી કુદરતી બહુચરાજી કાંસના કિનારે ખુલ્લા પ્લોટમાં દિવસ દરમિયાન ઘરેલું કચરો કોઈ પણ નાખી શકે તેવું કન્ટેનર મુકેલું હતું. આ સ્થળ પાસે રહેતા કોઈએ કન્ટેનર ઉઠાવી લેવડાવ્યું હતું. 


બાદમાં અહીં દબાણ કરતા તે તોડવા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સાથે પાલિકાના ચુટાયેલા  પદાધિકારીઓની હાજરીમાં તેમની ઉપર ગેસનો છુટ્ટો સિલિન્ડર  ફેંક્યો હતો. ત્યારથી  ઉઠાવી લીધેલ કન્ટેનર પરત મુકેલું નથી. જેથી  રહેવાસીઓ  ઘરેલું કચરો રોડ ઉપર નાખી જાય છે. આર્યકન્યાથી સ્નાનાઘર જતા એક કોર્નર પર કચરો નાખવાનું કન્ટેનર હતું ,તે પણ ઘણા સમયથી ઉઠાવી લીધેલું છે. ભુતડીઝાપા મેદાન પાસે પણ કચરો નાખવાનું કન્ટેનર હતું. જે ઉઠાવી લીધેલું છે. સવારે ડોર ટુ ડોર કચરા ગાડી આવી ગયા બાદ  ભેગો થતો કચરો ક્યા નાખવા જવું તે મોટી સમસ્યા છે. જેથી ફરી પાછા કન્ટેનરો મૂકવા રજૂઆત કરી હતી.

Reporter: admin

Related Post