વડોદરા: શહેરમાં ગતરાત્રે રાવપુરાના રાજા ખર્ચીકરના ખાંચામાં ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું હતું.અને બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આયોજકો દ્વારા વિશેષ આકર્ષણના ભાગરૂપે ઉજ્જૈનના મહાકાલેશ્વરથી ડમરૂ વાદનની ટીમને બોલાવવામાં આવી હતી.ગતરાત્રે શહેરમાં 70 થી વધુ વર્ષથી બેસાડવામાં આવતા રાવપુરાના રાજા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું.જેની શોભાયાત્રાની છેલ્લી ઘડીએ મંજુરી આપવામાં આવી ન્હતી.તો બીજી તરફ આયોજકો શોભાયાત્રાને લઇને મક્કમ હતા.જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે મેરાથોન મીટિંગ ચાલી હતી. બાદમાં મોડે મોડે પોલીસ દ્વારા ડીજે વગર મંજુરી આપવામાં આવી હતી. ખર્ચીકરના ખાંચાના ગણેશજીની મૂર્તિ વિશેષ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવી હતી.

અને તેની આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલેશ્વરથી વિશેષ ડમરૂ વાદનની ટીમને આકર્ષણના ભાગરૂપે બોલાવવામાં આવી હતી.ત્રણ કલાકથી વધુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની મથામણ બાદ ડીજે વગર શોભાયાત્રાને મંજુરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડે મોડે મંજુરી મળતા ગણેશજીની આગમનયાત્રા શરૂ થઇ ત્યારે વરસાદ વિલન બન્યો હતો. છતાં ગણેશજીના ભક્તોને ઉત્સાહ અકબંધ હતો. અને રંગેચંગે ગણેશજીના આગમનને વધાવી લેવામાં આવ્યું હતું.વડોદરા પોલીસ દ્વારા આગામી તહેવારોની ઉજવણી સુચારુ રૂપે થાય તે માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ખર્ચીકરના ખાંચામાં ગણેશજીના આગમનયાત્રા સમયે જરૂરી મહેકમ ન હોવાના કારણે પોલીસ દ્વારા મંજુરી શરૂઆતના સમયમાં આપવામાં આવી ન્હતી. તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાવવાની સાથે રંગેચંગે ઉજવણી થાય તે માટે પોલીસે કમર કસી લીધી છે.


Reporter: admin