રૂદ્રપ્રયાગ : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકો ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા. સોમવારે થયેલા ભૂસ્ખલનમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન, હિમવર્ષા, અંધારુ અને ઘટનાસ્થળે સતત કાટમાળ અને પથ્થરો પડવાના કારણે સોમવારે રાત્રે બચાવ કામગીરી બંધ કરવી પડી હતી. જે બાદ આજે મંગળવારે સવારે વાતાવરણમાં સુધારો આવતાં ફરી રાહત કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાટમાળમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર શ્રદ્ધાળુઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, "ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક સોમવારે મોડી સાંજે થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે."
પોલીસે જણાવ્યું કે, સવારે મળી આવેલા મૃતદેહોની ઓળખ મધ્યપ્રદેશના ઘાટ જિલ્લાના નેપાવલીની રહેવાસી દુર્ગાબાઈ ખાપર (50), નેપાળના ધનવા જિલ્લાના વૈદેહી ગામની રહેવાસી તિતલી દેવી મંડલ (70), મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઝિઝોરાના રહેવાસી સમનબાઈ (50),ગુજરાતના સુરતના ખટોદરાના રહેવાસી ભરતભાઈ નિરાલાલ (52) તરીકેની થઈ છે. આ પહેલા સોમવારે રાત્રે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગોપાલજી (50)નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ ઘાયલ ભક્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Reporter: admin