આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે. આજરોજ વડોદરાના સમા ઇન્ડોર સંકુલ ખાતે સ્વિમિંગ પુલમાં આયોજિત ખાસ "એક્વા યોગા" સત્રમાં વિવિધ વય જૂથના 40થી વધુ યોગપ્રેમીઓએ ભાગ લીધો.

યોગાચાર્ય રાજેશ બારોટના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સત્રમાં સહભાગીઓએ પાણીમાં યોગના વિવિધ આસનો કરીને એક તાજગીભર્યો અનુભવ લીધો."એક્વા યોગ" – જેને જળ યોગ પણ કહેવાય છે – પરંપરાગત યોગને જળ ઉપચારના ગુણો સાથે જોડતું યોગાભ્યાસનું આધુનિક અને પ્રભાવશાળી સ્વરૂપ છે. પાણી શરીરને સહારો આપે છે અને ગુરુત્વાકર્ષણનો ભાર ઘટાડે છે, જેના કારણે મુશ્કેલ આસનો પણ સરળતાથી શક્ય બને છે. આ અભ્યાસ સ્નાયુઓને મજબૂત બનાવવામાં, લવચીકતા વધારવામાં, સંતુલન અને શારીરિક સ્થિરતા પ્રાપ્ત કરવામાં ખૂબ લાભદાયી સાબિત થાય છે. ઉપરાંત, પાણીની શાંત અને ઠંડકપ્રદ પ્રકૃતિ તણાવ ઘટાડે છે અને મનને શાંત બનાવે છે.આ કાર્યક્રમમાં ભાગ લેનાર 73 વર્ષીય દક્ષાબેન મહેતા, 28 વર્ષીય વિભૂતિ વાસડિયા (એક ખાસ બાળક) અને 18 વર્ષીય ધનવી પરમાર જેવા વિવિધ પૃષ્ઠભૂમિના સહભાગીઓએ તેમના જીવનનો પહેલો એક્વા યોગાનો અનુભવ કર્યો.

ધનવીએ જણાવ્યું કે, "મારા માટે એક્વા યોગ કરવો એ પરંપરાગત યોગ કરતાં ભિન્ન અનુભવ રહ્યો. શરીરમાં ખેંચાણ અને શ્વાસની ગતિમાં સુધારો અનુભવાયો." દક્ષાબેન મહેતાએ ઉમેર્યું કે, "આ પહેલો અનુભવ હોવા છતાં પાણીમાં યોગ કરવાથી શરીરમાં હળવાશ અને આનંદનો અહેસાસ થયો."સત્ર દરમિયાન, મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. દરેક સહભાગીએ પાણીમાં આસનો અને પ્રાણાયામ કરીને આ શૈલીના સકારાત્મક દ્રષ્ટિકોણોનો અનુભવ કર્યો.યોગાચાર્ય રાજેશ બારોટે માહિતી આપી હતી કે, "માનવ શરીર 70% પાણીથી બનેલું છે અને પાણીમાં યોગ કરવાથી સાંધા, પીઠ, ખભા અને શરીરના અન્ય અવયવોને ઘણો આરામ મળે છે. સાથે જ ત્વચાના છિદ્રો ખુલી અને ઓક્સિજન પ્રવાહ વધતા શરીરને ઊર્જા મળે છે. એક્વા યોગ વિવિધ વય જૂથના લોકો માટે લાભદાયી અને ઉપચારાત્મક રીત તરીકે કામ કરે છે."યોગ માત્ર મેદાનમાં કે મેઝ પર થતું વ્યાયામ નથી, પણ પાણી જેવી તત્વમય અને લવચીક પરિસ્થિતિમાં પણ તેનો સમાન અસરકારક લાભ મળી શકે છે. "એક્વા યોગ" આજે શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે એક નવી દિશા રજૂ કરે છે – એક એવો અભ્યાસ જે દરેક માટે છે, દરેક માટે શક્ય છે અને દરેક માટે લાભદાયી છે.






Reporter: