વડોદરા : શહેર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચાર યુવાનોએ ભેગા મળી ત્રણ યુવાનો ઉપર ગુપ્તીથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનને પગના થાપાના ભાગે, બીજાને હાથમાં અને ત્રીજાને પેટમાં ગુપ્તી હુલાવી દેતા ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
મોડી રાત્રે સામાન્ય ઝઘડામાં ખેલાયેલા ખૂની ખેલના આ બનાવે સનસનાટી મચાવી મૂકી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરાર થઇ ગયેલા ચાર હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લક્ષ્મીપુરા ગામમાં વિઠ્ઠલભાઇનો પાનનો ગલ્લો આવેલો છે. આ ગલ્લા ઉપર લક્ષ્મીપુરા ગામમાં અંબેમાતાના ફળિયામાં રહેતો સંજય સુરેશભાઇ સોલંકી, તેના પાદરા તાલુકાના સાંગમા ગામમાં રહેતા કાકા હરેશ હરમાનભાઇ સોલંકી અને નિલેશ વખતસિંહ પઢીયાર વાતો કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મીપુરા ઇન્દીરા આવાસમાં રહેતો વિજય ઉર્ફ ઓકી જગદીશભાઇ સોલંકી, લક્ષ્મીપુરા ગ્રીનલેન્ડ પાર્કમા રહેતો યશપાલ હસમુખભાઇ પરમાર, લક્ષ્મીપુરા ખોડીયાર નગરમાં રહેતો અજય ઉર્ફ અજલો ગણપતભાઇ સોલંકી અને લક્ષ્મીપુરા ઇન્દીરા આવાસમાં રહેતો કમલેશ લક્ષણભાઇ વાદી આવી પહોંચ્યા હતા.હુમલાખોરોએ ઇજાગ્રસ્તોને ગડદાપાટુંનો માર માર્યો દરમિયાન, સંજય સોલંકી અને વિજય ઉર્ફ ઓકી સોલંકી વચ્ચે જુની અદાવતને લઇ સામાન્ય બોલાચાલી શરૂ થઇ હતી.
જોતજોતામાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં વિજય ઉર્ફ ઓકીએ પોતાની પાસેની ગુપ્તીથી સંજય સોલંકીના પગના છાપામાં ઇજા પહોંચાડી હતી. વિજયે હુમલો કરતાં સંજયનો મિત્ર નિલેશ વચ્ચે પડતાં હુમલાખોર વિજયે તેના હાથ ઉપર ગુપ્તીનો ઘા કરી દીધો હતો. તે સાથે આ ઝઘડામા વચ્ચે પડેલા 40 વર્ષિય મહેશ હરમાનભાઇ સોલંકીના પેટમાં ગુપ્તી હુલાવી દીધી હતી. તે સાથે હુમલાખોર વિજય ઉર્ફ ઓકીના મિત્રોએ ઇજાગ્રસ્તોને ગડદાપાટુનો માર માર્યો હતો.ઇજાગ્રસ્ત મહેશ સોલંકીનું હોસ્પિટલમાં મોત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા મહેશ સોલંકીને ભત્રીજો સંજય સોલંકી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જોકે, ગુપ્તીનો જોરદાર ઘા વાગ્યો હોવાથી મહેશ સોલંકીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મહેશના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોનો રોકકળે સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ તાલુકા પોલીસને બનાવની જાણ થતાં સિનીયર પીએસઆઇ આર.આર. મિશ્રા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin