News Portal...

Breaking News :

જાપાનમાં ખતરનાક ટાયફૂન શાનશાનેએ તબાહી મચાવી

2024-08-30 11:01:29
જાપાનમાં ખતરનાક ટાયફૂન શાનશાનેએ તબાહી મચાવી


ટોક્યો : જાપાનમાં ખતરનાક ટાયફૂન 'શાનશાને'એ તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે. 


સ્થાનિક મીડિયા અનુસાર પ્રશાસને લોકોને ઊંચા સ્થાનો પર જવાની અપીલ કરી છે. સ્થિતિ એવી છે કે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે. ટાયફૂન શાનશાને ગુરુવારે 252 કિલોમીટર (157 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવન સાથે જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યૂશૂ પર તબાહી મચાવી હતી. શાનશાન આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેમજ તે 1960 પછી જાપાનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું બની ગયું છે.સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યા સુધીમાં વાવઝોડું શાંત પડી ગયું હતું. આ દરમિયાન 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 


હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે સમગ્ર ક્યૂશૂમાં ભારે વરસાદ થયો હતો અને બાદમાં વાવાઝોડું હોન્શૂ ટાપુ તરફ આગળ વધ્યું હતું.મીડિયા રિપોર્ટ અનુસાર વાવાઝોડાને કારણે 5 લોકોના મોત થયા છે. તોકુશિમામાં બે માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે આફતની શક્યતા વધી ગઈ છે. ટાયફૂન શાનશનના આગમન પહેલા જ ગુરુવારે આઇચીમાં ભૂસ્ખલન થયું હતું જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આઇચી ક્યૂશૂથી 1 હજાર કિલોમીટરના અંતરે આવેલું છે.

Reporter: admin

Related Post