શહેરમાં લોકો ઉપયોગ કરી શકે તેવા કામો તો પાલિકા કરે છે પણ સમયર તેનું ઉદ્ઘાટન કરવામાં પાલિકા બેદરકારી દાખવે છે અને તેથી લોકોના પૈસાથી લોકો માટે બનાવેલા વિકાસના કામોનો લોકો ઉપયોગ કરી શકતા નથી.
શહેરના વાઘોડીયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે છેલ્લા 5 મહિનાથી જાહેર શૌચાલય તૈયાર તો કરી દેવાયું છે પણ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જેથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. લાગે છે કે પાલિકા શૌચાલયના ઉદ્ઘાટન માટે કોઇ મોટા નેતાની રાહ જોઇ રહી છે !!જે સુવિધા લોકો માટે ઉભી કરાઇ હોય તેને જલ્દી લોકો સમક્ષ મુકી દેવી જોઇએ અને તો જ લોકો સમયસર તેનો ઉપયોગ કરી શકે છે પણ પાલિકાના શાણા શાસકોના મગજમાં ક્યારેય વાત આવતી જ નથી. કોઇ પણ વિકાસનું કામ ભલે તૈયાર થઇ ગયું હોય પણ તેના લોકાર્પણ માટે કોઇ મોટો નેતા જ્યાં સુધી ટાઇમ ના આપે ત્યાં સુધી તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી.
શહેરના વાઘોડીયા રોડ પર સ્વચ્છ વડોદરા અંતર્ગત જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે પણ હજું તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આ જાહેર શૌચાલય છેલ્લા 5 મહિનાથી તૈયાર હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે પણ તેનું ઉદ્ઘાટન કરવાનો સમય પાલિકાને મળતો નથી. આ શૌચાલય હાલ ધુળ ખાઇ રહ્યું છે. શૌચાલયને ઢાંકીને મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ફોટાવાળું હોર્ડીંગ્સ લગાવી દેવાયું છે. એવુ લાગી રહ્યું છે કે પાલિકા શૌચાલયના ઉદ્ઘાટન માટે કોઇ નેતાની રાહ જોઇ રહી છે. નેતા શૌચાલયના ઉદ્ઘાટન માટે પોતાનો કિંમતી સમય ફાળવી શકે તેમ ના હોવાથી કદાચ આ શૌચાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. પાલિકાએ તત્કાળ લોકોના ઉપયોગ માટે શૌચાલયને ખુલ્લુ મુકી દેવુ જોઇએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
Reporter: admin