News Portal...

Breaking News :

ભારતની મેચા ટી માર્કેટમાં એન્ટ્રી, આસામમાં પ્રથમ વખત શરૂ થયું કમર્શિયલ ઉત્પાદન

2026-07-04 09:57:30
ભારતની મેચા ટી માર્કેટમાં એન્ટ્રી, આસામમાં પ્રથમ વખત શરૂ થયું કમર્શિયલ ઉત્પાદન

જાપાનની લોકપ્રિય અને પ્રીમિયમ ગ્રીન ટી તરીકે ઓળખાતી મેચા (Matcha) ચાના ઉત્પાદનમાં હવે ભારતે પણ સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. આસામમાં પ્રથમ વખત કમર્શિયલ ધોરણે મેચા ચાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. શુક્રવારે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરમાં આસામમાં ઉત્પાદિત મેચા ચાની પ્રથમ હરાજી યોજાઈ હતી, જેમાં અંદાજે 5 કિલો ચાનું વેચાણ ₹3,000 પ્રતિ કિલોના ભાવે થયું હતું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આસામ હવે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં તિનસુકિયા જિલ્લાના છોટા ટિંગરાઈ ટી એસ્ટેટમાં કમર્શિયલ ધોરણે મેચા ચાનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ પહેલથી વૈશ્વિક બજારમાં 'અસમ ટી' બ્રાન્ડને વધુ મજબૂતી મળશે તેમજ ભારત અને જાપાન વચ્ચેના સહયોગને પણ નવી દિશા મળશે.


ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશનના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું કે પ્રીમિયમ મેચા સેગમેન્ટમાં ભારતની એન્ટ્રી ભારતીય ચા ઉદ્યોગ માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. આ પગલાથી વૈશ્વિક સ્પેશિયાલિટી ટી માર્કેટમાં ભારત માટે નવા વેપાર અને નિકાસના અવસરો ઉભા થશે.

મેચા ચા પરંપરાગત ગ્રીન ટી કરતાં અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેની ખેતી, પ્રક્રિયા અને પીસવાની પદ્ધતિ વિશિષ્ટ હોવાથી તેમાં વધુ પોષક તત્ત્વો અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જોવા મળે છે. વિશ્વભરમાં આરોગ્યપ્રેમી લોકોમાં મેચા ચાની માંગ સતત વધી રહી છે.

Reporter: admin

Related Post