News Portal...

Breaking News :

વોર્ડ નં – 17 ની કચેરીમાં બોગસ બર્થ સર્ટિફિકેટ રજુ કરનારની અટકાયત

2025-06-21 14:19:47
વોર્ડ નં – 17 ની કચેરીમાં બોગસ બર્થ સર્ટિફિકેટ રજુ કરનારની અટકાયત


વડોદરા: પાલિકામાં અનેકવિધ કારણોસર આવતા અરજદારો દ્વારા બોગસ બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના વિતેલા કેટલાય દિવસથી સમયાંતરે સામે આવી રહી છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. 


વડોદરા પાલિકાની દક્ષિણ ઝોનમાં વોર્ડ નં – 17 ની કચેરીમાં આજે સવારે આવેલા અરજદારે બોગસ બર્થ સર્ટિફિકેટ રજુ કરતા પકડાઇ ગયું હતું. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા, અને બોગસ સર્ટિફિકેટ રજુ કરનારની અટકાયત કરવામાં આવી હતી.પાલિકાના અધિકારી શમીક જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે યોગ દિવસની ઉજવણી પતી ત્યાં મને ઓપરેટરનો ફોન આવ્યો હતો. અને મને ફોનમાં મોકલવામાં આવેલું સર્ટિફિકેટ તપાસવા જણાવ્યું હતું. અમારા દ્વારા ડોક્યૂમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા સઘન કરી દેવામાં આવી છે. તપાસતા અમને આશ્ચર્ય થયું કે, સર્ટિફિકેટ પર વીએમસીનો બનાવટી લોગો હતો, અને ખોટો નંબર પણ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, નીચેના ભાગે વિશાખાપટ્ટનમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


આ વ્યક્તિ વડોદરા પાસેના વડદલામાં રહે છે. આ બંને સ્થળો એકબીજાથી દુર આવેલા છે. આ સર્ટિફિકેટ લઇને આવનારા અરજદારે જણાવ્યું કે, તેમના ગામમાં કોઇ કેમ્પ આવ્યો હતો. તેમાથી તેમણે દુકાનમાંથી કઢાવ્યું હતું. અત્યાર સુધીમાં આ છઠ્ઠો કેસ પકડાયો છે, આ ખુબ ગંભીર વિષય છે. પોલીસ ખાતાએ ગંભીરતાથી આ મામલાની તપાસ કરવી પડશે. આ દેશની સુરક્ષાનો મામલો પણ છે.અરજદાર કિશનભાઇ કાંસકીવાલાએ મીડિયાને જણાવ્યું કે, હું દરજીપુરા રહું છું. આ કેવી રીતે બનાવ્યો તે મને નથી ખબર. મારા છોકરાનો દાખલો છે, હું તો કારખાનામાં કામ કરું છું. આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરીએ આવ્યો હતો. દાખલો જેણે કઢાવ્યો તે આવી રહ્યા છે. રૂ. 500 લઇને આ દાખલો આપ્યો હતો.

Reporter: admin

Related Post