નવી દિલ્હી : હાલ દેશમાં બેકેટેરિયાઓ પર હવે સામાન્ય એન્ટી બાયોટિક દવાઓની અસર થતી નથી. એન્ટીબાયોટિક દવા સામે સમગ્ર દેશમાં પ્રતિકાર વધી રહ્યો હોઇ મૂત્રમાર્ગના ચેપ, રક્તનો ચેપ, ન્યુમોનિયા અને ટાઇફોઇડ જેવા રોગોની સારવાર કરવાનું મુશ્કેલ બની ગયું છે.
આ બાબત ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMRના એન્ટીમાઇક્રોબાયોબિયલ રેઝિસ્ટન્સ સર્વેલિયન્સ નેટવર્ક દ્વારા જારી કરવામાં આવેલાં વાર્ષિક અહેવાલમાં ધ્યાન પર આવી છે. સરકાર પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન સમગ્ર ભારતમાં પથરાયેલી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાંથી એકત્ર કરવામાંં આવેલાં ડેટાને આધારે આ સાતમો વિગતવાર અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલ તૈયાર કરવા માટે જાહેર અને ખાનગી એમ બંને પ્રકારના આરોગ્ય કેન્દ્રોમાંથી ૯૯,૪૯૨ સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલનું સૌથી મહત્વનું તારણ એ જણાયું છે કે આઇસીયુ અને આઉટપેશન્ટ વિભાગોમાં ઇ કોલી બેકટેરિયા મળી આવે છે જે સંખ્યાબંધ એન્ટી બાયોટિકનો પ્રતિકાર કરે છે. આ બેેકટેરિયાના ઇલાજ સામે સેફોટેક્સીમે, સેફટાઝીડીમે, સિપ્રોફ્લોક્સાસિન અને લેવોફ્લોક્સાસિન જેવી એન્ટી બાયોટિક્સ માત્ર વીસ ટકા જ કારગર જણાઇ છે.
આ જ રીતે ન્યુમોનિયા માટે કારણભૂત બેક્ટેરિયા સામે વપરાતી ક્લેબેસિએલા ન્યુમોનિયા અને સ્યુડોમોનાસ એરૂજિનોસા સામે પણ પ્રતિકાર વધી રહ્યો છે. સમય વીતવા સાથે ઘણી એન્ટી બાયોટિક્સની અસર ઘટી રહી છે. દાખલા તરીકે પાઇપેરાસિલિન- ટાઝોબેક્ટમ ૨૦૧૭માં ૫૬.૮ ટકા અસરકારક હતી તેની અસરકારતા ૨૦૨૩મા ઘટીને ૪૨.૪ ટકા રહી ગઇ હતી. સામાન્ય રીતે રોજિંદા વપરાશમાં લેવાતી એન્ટીબાયોટિક્સ જેમ કે એમિકાસિન અને મેરોપેનેમ પણ જીવાણુઓના ચેપ સામે અસરકારક રીતે લડવાની ક્ષમતા ગુમાવી રહી છે. આઇસીએમઆરના સંશોધકોને જણાયું છે કે ગેસ્ટ્રોએન્ટ્રેસિસ જેને કારણે થાય છે તે સાલ્મોનેલા ટાઇફી બેકટેરિયા તેના ચેપના ઇલાજ માટે વપરાતી ફ્લુરોક્લિનોલોનેસ સામે ૯૫ ટકા કરતાં વધારે પ્રતિકાર વિકસાવી ચૂક્યા છે. અહેવાલમાં એન્ટી બાયોટિક્સના વધતા જતાં પ્રતિકાર સામે તાકીદે પગલાં ભરવા અને એન્ટી બાયોટિક્સના વપરાશ પર કડક નિયંત્રણ મુકવા પર ભાર મુકવામાં આવ્યો છે.
Reporter: admin