ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ બાદ યુદ્વ વિરામ ના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગાઝાના રાફા શહેરમાં ચાલી રહેલા નરસંહાર વચ્ચે બંને દેશોએ કતલેઆમ રોકવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આદેશ કર્યા બાદ ઈઝરાયેલી સેના અને હમાસે યુદ્ધ અટકાવી દીધું છે. સેનાએ જાહેરાત કરી છે કે, શહેરમાં વધુમાં વધુ માનવીય સહાયતા પહોંચાડવા માટે એક દિવસ હુમલો નહીં કરવામાં આવે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે, જ્યાં સુધી આગામી આદેશ જાહેર ન થાય ત્યાં સુધી રાફા શહેરમાં સવારે 8.00થી સાંજે 7.00 વાગ્યા સુધી યુદ્વ વિરામ રહેશે. બીજીતરફ આ માટે હમાસ પણ સંમત થયું છે.
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં મોટાભાગે નિર્દોષ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં લગભગ 40 હજારથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ગાઝાના ઘણા લોકો પોતાનો જીવ બચાવી રાફા શહેરની રાહત શિબિરોમાં શરણ લઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ ઘણા દિવસથી આ શિબિરોને નિશાન બનાવી રહ્યું છે. બીજીતરફ ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હમાસના આતંકવાદીઓ પેલેસ્ટાઈનીઓના વેશમાં રાહત શિબિરોમાં શરણ લઈ રહ્યા છે અને તેઓ જ અમારા નિશાન પર છે.
IDFએ જણાવ્યું છે કે, ‘માનવીય સહાય લઈને આવેલા ટ્રકોને ઇઝરાયેલ દ્વારા નિયંત્રિત કેરેમ શાલોમ આંતરછેદ સુધી પહોંચવા દેવા માટે વ્યૂહાત્મક યુદ્ધવિરામ જાહેર કરાયો છે. આ ટ્રકો ગાઝાના અન્ય ભાગોમાં સહાય પહોંચાડવા માટે કેરેમ શાલોમથી સલાહ-એ-દિન હાઈવે સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ સાથે સંકલન કરી સંઘર્ષ દરમિયાન વ્યૂહાત્મક યુદ્ધવિરામ જાહેર કરાયો છે.’ કેરેમ શાલોમ માર્ગ પરથી જ ઇઝરાયેલી સેનાને સહાય અને પુરવઠો પહોંચાડવામાં આવે છે.
Reporter: News Plus