વડોદરા: વડોદરા શહેરમાં અછોડાની ચિલઝડપ કરતી ટોળકીની સાથે સાથે હવે ચોરોનો તરખાટ પણ વધવા લાગ્યો છે.
શહેરના ભરચક અમિતનગર સર્કલ પાસેની સોસાયટીમાં ત્રાટકેલા ચોરો ૩૦ કિલો ૭૦૦ ગ્રામ ચાંદી અને એક બંદૂક ઉઠાવી ગયા હતાં. વીઆઇપીરોડ પર આવેલી અમિતનગર સોસાયટીમાં રહેતા સ્નેહલ ઉમેશભાઇ જોષીએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છું. ગઇરાત્રે હું તેમજ મારી પત્ની બંને ઘર બંધ કરી ઉપરના માળે ઊંઘી ગયા હતાં.
આજે સવારે છ વાગે ઊંઘમાંથી જાગીને જોયું તો નીચેના માળે સ્ટડીરૃમમાં પાછળની બારીના સળિયા કાપી નાંખી વળેલા જણાયા હતાં.દરમિયાન ઘરમાં તપાસ કરતાં મારા પિતાના ઉપરના માળે આવેલા બેડરૃમના કબાટના દરવાજા ખુલ્લા હતા તેમજ અંદરનો સામાન વેરવિખેર અને બેડ પર સામાન પડેલો જણાયો હતો. કબાટમાં મૂકેલ ૩૦ કિલો ૭૦૦ ગ્રામ ચાંદીના વાસણો, દાગીના અને મૂર્તિઓ તેમજ મારા પિતાની ૧.૫૦ લાખ કિંમતની બંદૂક ચોરી થઇ હોવાનું જણાયું હતું.વર્ષ-૨૦૦૯ની કિંમત પ્રમાણે દાગીનાની કિંમત અને બંદૂકની રકમ મળી કુલ રૃા.૬.૭૫ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ચોરીની ઘટના બાદ હરણી પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.
Reporter: admin