કચેરીનો ક્લાર્ક અને ત્રણ અધિકારી સામે એસીબીએ 2 લાખની લાંચનો ગુનો નોંધ્યો
વડોદરાના કુબેરભુવનમાં આવેલા ખાણખનિજ ખાતાના ત્રણ કર્મચારી તથા અધિકારી 2 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એસીબીએ આ મામલે એક કર્મચારીને રંગેહાથે ઝડપી લીધો હતો જ્યારે તેની સાથે સંકળાયેલા અન્ય 3 અધિકારી કર્મચારી સામે પણ ગુનો નોંધાયો છે.

એસીબીએ આ મામલે યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક વર્ગ-૩, ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા (રહે.૧૮ અવધ ઉપવન બીલ રોડ અટલાદરા, વડોદરા જી.વડોદરા. તથા (૨) રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી મદદનીશ ભુસ્તર શાસ્ત્રી આણંદ વર્ગ-૨ ખાણ ખનીજ વિભાગ જુના સેવાસદન બોરસદ ચોકડી, જી.આણંદ હાલ ચાર્જ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા (રહે.બી-૧૪, કૃષ્ણ કુટીર એપાર્ટમેન્ટ ઈન્ડીયા કોલોની પાછળ, સુરજ પાર્ક પાસે. બાપુનગર અમદાવાદ ) તથા (૩) કીરણભાઈ કાન્તીભાઈ પરમાર, આઈ.ટી. એક્ઝીક્યુટીવ વર્ગ-૩ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા અને (૪) સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઈન્સ્પેકટર વર્ગ-૩ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે.ડાકોર જી.ખેડા સામે ગુનો દાખલ કર્યો છે.
એસીબી પાસેથી મળેલી જામકારી મુજબ આ કામના ફરીયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી જે અરજીના કામે આ કામના આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક ખાણ ખનીજ વિભાગ કોઠી કચેરી આઠમો માળ વડોદરા નાઓને તે મળ્યા હતા. જેઓએ ફરીયાદીની અરજી મંજુર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રુ.2,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેઓની ફરીયાદ આધારે 12ના રોજ લાંચના છટકાનુ આયોજન કરાયું હતું. યુવરાજે ફરિયાદીને લાંચની 2 લાખની રકમ લઇને પ્રેમાવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પીટલ, વડોદરા ખાતે બોલાવેલ જ્યાં યુવરાજે ફરિયાદી પાસેથી રુબરુ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી હતી અને તે સમયે જ એસીબીએ યુવરાજને ઝડપી લીધો હતો. યુવરાજ સાથે અન્ય ત્રણ અધિકારીઓ રવિ મિસ્ત્રી, કિરણ પરમાર અને સંકેત પટેલે મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સમંતિ આપી હતી જેથી એસીબીએ આ ત્રણેય અધિકારીઓ સામે લાંચ લેવાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
Reporter: admin