દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી 700 જેટલા શંકાસ્પદ બેંક એકાઉંટ ટ્રાંઝેકશન અંગેની વિગતો મળી...
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના 2 આરોપીની દિલ્હી તથા વડોદરામાંથી વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી 700 જેટલા શંકાસ્પદ બેંક એકાઉંટ ટ્રાંઝેકશન અંગેની વિગતો મળી છે અને આ ટોળકી સામે દેશભરમાં 79 ઓનલાઈન ફરિયાદો થઈ છે. પોલીસ તપાસમાં આ ટોળકી સામે કરોડોનું ફ્રોડ સામે આવી શકે છે. આ કેસમાં અગાઉ 4 આરોપી દિલ્હીથી પકડાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાયબર માફિયાઓએ તેમને એક વ્હોટસએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમા શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમા નફો બતાવ્યો હતો, તેથી યુવાન વિશ્વાસમાં આવી ગયો હતો અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવ્યું હતું અને તેઓને એપ્લીકેશનમાં IPO એલોટમેન્ટ થઈ ગયો હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઇપીઓ ખરીદવાના બહાને કુલ 15,70,001 રૂપિયા યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉંટમાં ભરાવડાવ્યા હતા, જે પૈકી 2 લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લીધો હતો અને બાકીના નાણા પરત કર્યા નહોતા અને 13,70,001 રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે, તેવું જણાતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા અને માહિતી મેળવતા એક આરોપીની વિગત દિલ્હી અને બીજા આરોપીની વિગત વડોદરા ખાતેની આવતી હતી. જેથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી અને વડોદરા ખાતેથી આરોપીઓની ધડપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પકડાયેલો આરોપી અભિષેક સુભાષચન્દ્ર ગર્ગ, દિલ્હી અને દિલ્હીના ઇંદર પુરણ દશરથ પાલ પોતાના સહઆરોપી સાથે મળીને ફ્રોડની રકમ જે ખાતામાં જમા થતી તે બેંક ખાતુ ફ્રિઝ થતા જે - તે ફરિયાદીને લોભ લાલચ આપી સમાધાન કરી ચાલુ તપાસમાં નુકસાન પહોચાડવાનું કામ કરતો તથા તપાસ કરનાર એજન્સી વિરુદ્ધ ખોટી અરજી કરવાનું કામ કરતો હતો. આરોપી તેમજ આ ગુનામા અગાઉ પકડાયેલ આરોપીઓ દ્વારા ઇમેલ આઇડીનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપી ઇંદર પાસેથી મળી આવેલ લેપટોપમાં 700થી વધુ શંકાસ્પદ બેંક એકાઉંટ ટ્રાંઝેકશન અંગેની વિગતો મળી આવી છે, જે અંગે હાલ તપાસ ચાલુ છે. આ ગુનામા અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે દિલ્હીના અભિષેક સુભાષચન્દ્ર ગર્ગની ધરપકડ કરી છે જે બેંક ખાતુ ઓપરેટ કરતો હતો તથા દિલ્હીના ઇંદર પુરણ દશરથ પાલની પણ ધરપકડ કરાઇ છે.
આ કૌંભાડમાં શુ થાય છે...
ભોગ બનનાર દ્વારા ફેસબુક અથવા ઇંસ્ટાગ્રામ, વ્હોટસએપ, ટેલીગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરમાર્કેટ અંગેની લોભામણી એડ્સ પર ક્લિક કરવામાં આવે છે. ત્યર પછી તેને શેરમાર્કેટ ટિપ્સ અંગેના વ્હોટસએપ ગ્રુપમાં જોડાવવામાં આવે છે, ત્યારબાદ ભોગ બનનારને વ્હોટસએપ. ટેલીગ્રામ ગ્રુપમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં થતી લેણદેણ અને પ્રોફિટ દેખાડવામાં આવે છે આથી ભોગ બનનારને વિશ્વાસમાં આવી જાય છે, ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવે છે. જેમાં તેઓને શેર ખરીદવા તેમજ IPO એલોટમેંટ માટે નાણા જમા કરવા જણાવવામાં આવે છે.ત્યારબાદ ભોગ બનનારને નફા પેટે મોટી રકમ કમાવાની લાલચ આપીને ભોગ બનનાર પાસેથી તેઓ વતી ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાના હેઠળ રૂપિયા પડાવી લેવામાં આવે છે. એપ્લિકેશનમાં ખુબજ વધારે પ્રોફિટ દર્શાવવામાં આવે છે, ત્યારબાદ ભોગ બનનાર આરોપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આરોપી દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી. જ્યાં સુધી ભોગ બનનારને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે તેવો ખ્યાલ આવે ત્યાં સુધી માં આરોપીઓ દ્વારા મોટી રકમ ખંખેરી લેવામાં આવેલ હોય છે.
સાયબર ભેજાબાજોથી દુર રહેવા આટલુ કરો
સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું કે ટેલિગ્રામ કે વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા મારફતે રોકાણ કરીને નફો કમાવવા આવતા મેસેજ અથવા ફોનની પૂરતી વ્યકિતગત ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા. તથા ફેસબુક, ઇન્સટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરમાર્કેટ અંગેની લોભામણી એડસની ખરાઇ કરીને જ આગળ વધવુ. ઉપરાંત કોઈપણ લેભાગું વ્યક્તિને તમારા વ્યક્તિગત દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ પૂરતી ચકાસણી કર્યા વગર આપવા નહીં.પોતાનું બેન્ક ખાતું કે સીમકાર્ડ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઈએ નહીં તેના ગેરકાયદેસરના ઉપયોગ માટે તમે કાયદેસર જવાબદાર બનો છો. જો આપ કોઈપણ સાઇબર ક્રાઈમ ના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો.
Reporter: admin