નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિને ઓડિશાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ તરીકે રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે.કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ વિજય કુમાર સિંહને મિઝોરમના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અજય કુમાર ભલ્લા 1984 બેચના નિવૃત્ત આઇએએસ અધિકારી છે. અજય કુમાર ભલ્લાને 22 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 22 ઓગસ્ટ 2024 સુધી લગભગ પાંચ વર્ષ સુધી ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી.
Reporter: admin