વડોદરા શહેરમાં આવતીકાલે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે. રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે તૈયાર કરાયેલ રથને મોડી રાત્રે ભક્તિમય વાતાવરણ વચ્ચે સ્ટેશન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
રથને ટ્રેક્ટરની મદદથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇસ્કોન મંદિરના મહંત, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો વાજતે-ગાજતે અને જયઘોષ સાથે જોડાયા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આવતીકાલે બપોરે 2:30 વાગ્યે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીને રથમાં વિધિવત્ બિરાજમાન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ, આકર્ષક વેશભૂષાઓ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને સામાજિક સંદેશ આપતા પ્લોટ્સ પણ જોડાશે.
Reporter: admin







