News Portal...

Breaking News :

VIP રોડ પર ભયાનક હિટ એન્ડ રનનો CCTV વાયરલ, ત્રણ વિદ્યાર્થીને પાછળથી કારની જોરદાર ટક્કર

2026-07-16 10:01:53
VIP રોડ પર ભયાનક હિટ એન્ડ રનનો CCTV વાયરલ, ત્રણ વિદ્યાર્થીને પાછળથી કારની જોરદાર ટક્કર

વડોદરા શહેરના VIP રોડ પર 14 જુલાઈની વહેલી સવારે બનેલી ભયાનક હિટ એન્ડ રન ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં MS યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. CCTVમાં પૂરઝડપે આવેલી એક કાર મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતી અને બાઈકને દૂર સુધી ફંગોળતી હોવાના દૃશ્યો કેદ થયા છે.

મળતી માહિતી મુજબ, MS યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં રહેતા અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા સુજલ મનોજકુમાર ચૌહાણ (ઉં.વ. 21), મિહિર શૈલેષભાઈ પટેલ (ઉં.વ. 21) અને તેમનો મિત્ર ઋતુરાજસિંહ 13 જુલાઈની રાત્રે મિત્રની મોટરસાયકલ લઈને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટેલમાં જમવા ગયા હતા. ત્યારબાદ હરણી રોડ વિસ્તારમાં રહેતા અન્ય મિત્રને મળીને તેઓ મોડી રાત્રે હોસ્ટેલ પરત ફરી રહ્યા હતા.


વહેલી સવારે અંદાજે 3:45 વાગ્યે અમિતનગર બ્રિજથી એલ એન્ડ ટી સર્કલ તરફ SBI બેંક સામે પહોંચતા પાછળથી પૂરઝડપે આવેલી એક અજાણ્યા ફોર-વ્હીલર ચાલકે ગફલતભરી રીતે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેય યુવકો રોડ પર ફંગોળાઈ ગયા, જ્યારે મોટરસાયકલ અંદાજે 100 મીટર દૂર સુધી ઘસડાતી ગઈ હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળે છે.

અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ત્રીજા વિદ્યાર્થીને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. વિવિધ દિશામાં તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post