News Portal...

Breaking News :

ટેન્કર ચાલકનું ગેર વર્તન દંડાયો નિર્દોષ યુવક

2024-04-21 20:50:01
ટેન્કર ચાલકનું ગેર વર્તન દંડાયો નિર્દોષ યુવક

આજે મનપાના સર્વોચ્ચ અધિકારીની ફેરણી દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી હતી.

   પાલિકાની પાણીની ટાંકી પાસેથી પાણી ભરેલી ટેન્કર પસાર થતી જોઈને આ ઉચ્ચ અધિકારીએ વાહન ચાલકને રોક્યો હતો અને વાહનની ચાવી કાઢવા પ્રયાસ કર્યો ત્યારે ચાલકે એમની સાથે ગેર વર્તન કર્યું હોવાનું પ્રત્યક્ષદર્શીઓ એ જણાવ્યું હતું.

   પરિણામે આનન ફાનનમાં પોલીસે ટેન્કરના ચાલક સહિત ત્રણ થી ચાર વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

   જો કે તે પછી અકળ કારણોસર અધિકારી સાથે ગેર વર્તન કરનાર વાહન ચાલકને કોઈ કાર્યવાહી કર્યા વગર જવા દેવામાં આવ્યો હતો.

   જ્યારે ટોળા પૈકીના એક યુવકને જાહેરમાં પેશાબ કરીને ગંદગી ફેલાવવા બદલ રૂ.૨૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

  યુવકનું કહેવું હતું કે તેણે એવું કર્યું જ નથી તેમછતાં ધરાર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ યુવકની માતા જે ઘરખર્ચ ચલાવવા લોકોના કામ કરે છે એમણે આ અંગે બળાપો ઠાલવતા જણાવ્યું કે હું ઘરનું પૂરું કરવા ઘરકામ કરીને મહિને માંડ ૪ હજાર કમાઉ છું અને આ લોકોએ મારા છોકરાના વાંક વગર મહેનતની કમાઈમાં થી ભારે દંડ વસૂલ કર્યો છે.

        આ ઘટનામાં ગેર વર્તન અને તે પણ સર્વોચ્ચ અધિકારી સાથે કરનાર વાહન ચાલક કોઈ કાર્યવાહી વગર છૂટી ગયો અને નિર્દોષ યુવક વગર વાંકે દંડાઈ ગયો એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે એક કહેવત યાદ આવે છે કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે...

Reporter: News Plus

Related Post