
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પાણી પુરવઠાની સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેમણ કોલોની અને ધનાની પાર્ક સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અછત દૂર કરવા માટે ₹42 લાખના ખર્ચે નવા પાણી પુરવઠા પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ અગાઉ મહાનગરપાલિકાની વિવિધ બેઠકોમાં સતત રજૂઆતો કરી હતી. તેમની સતત કોશિશો અને પ્રયત્નોના પરિણામે સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેના આધારે હવે આ કામનો ઔપચારિક પ્રારંભ થયો છે.
કોર્પોરેટરે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના રહેવાસીઓને વર્ષોથી સતાવતી પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સાથે જ વિસ્તારમાં વરસાદી કાંસ અને ડ્રેનેજ સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે પણ આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી કાંસના સુધારણા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટે અંદાજે ₹3 થી ₹4 કરોડના વધારાના ખર્ચની જરૂર છે, અને આ માટેની મંજૂરી મેળવવા પ્રયાસો ચાલુ છે.સ્થાનિક નાગરિકો મુજબ, ગંદકી, દુર્ગંધ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વર્ષોથી હાલાકી ભોગવવી પડી રહી છે. હવે આ વિકાસકાર્યોથી વિસ્તારમાં સ્વચ્છતા અને સુવિધામાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Reporter:







