મહારાષ્ટ્ર ધુલીયા જિલ્લામાં છુપાયેલ આરોપી ગણતરીના સમયમાં ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ ટીમે ધુલીયા જિલ્લામાંથી ઝડપી પાડેલ ફરાર આરોપી
વડોદરા શહેરમાં દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. આ કામગીરી વડોદરા શહેર પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો કેસમાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડેને 30 માર્ચ 2026ના રોજ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કોર્ટમાં રજુ કરવા માટે લાવવામાં આવ્યો હતો. કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપીને બાથરૂમ જવાનું કહેતા પોલીસ જાપ્તા સાથે તેને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પરત ફરતી વખતે આરોપીએ પોલીસની નજર ચૂકવીને ફરાર થવામાં સફળતા મેળવી હતી.આ બનાવ બાદ અકોટા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 262 મુજબ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના સામે આવતા જ શહેર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને આરોપીની શોધખોળ માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો રચી તપાસ શરૂ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજાના નેતૃત્વ હેઠળ પો.સબ.ઇન્સ.બી.વી. ગોહીલ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ ચાલુ રાખી હતી. તપાસ દરમિયાન સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ દીપકભાઈ જબ્બારભાઈને બાતમીદાર પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી.માહિતી મુજબ આરોપી મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના દોંડાઇચા ગામ ખાતે તેના સગાના ઘરે છુપાયો હતો. આ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ખાનગી રીતે તપાસ કરીને આરોપીના સગાનું મકાન શોધી કાઢ્યું હતું.વહેલી સવારે અંદાજે 4:30 વાગ્યે ટીમે મકાનમાં દરોડો પાડી આરોપીને સુતેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડીને વડોદરા લાવવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓની ઝડપી કાર્યવાહી અને સંકલન મહત્વપૂર્ણ સાબિત થયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પો.સબ.ઇન્સ.બી.વી. ગોહીલ તેમજ ટીમના દીપકભાઈ, ઉદેસિંહ, અમુલભાઈ, સતિષભાઈ, બીપીનભાઈ, હિતેષકુમાર, કનૈયાલાલ, જગદીશભાઈ અને બળદેવસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રની સજાગતા અને કાર્યક્ષમતાને ઉજાગર કરી છે. ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપથી પકડી પાડતા શહેર પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે.
Reporter: admin







