દિલ્હી : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ ખાવાથી અનેક બાળકોના મૃત્યુ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપતી એક એડવાઇઝરી પણ જાહેર કરી છે.
બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જણાવી દઈએ કે, કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થયા છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં થયા છે. મધ્ય પ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ પાછળનું કારણ ગુજરાતમાં બનેલી બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ(DEG)નું પ્રમાણ મર્યાદા કરતાં અનેકગણું વધારે હોવાનું છે. તમિલનાડુ સરકારે કાચીપુરમમાં બનેલી કફ સિરપ 'coldrif' ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારોને નોટિસ જારી કરી છે, જેમાં તેમને દૂષિત કફ સિરપથી બાળકોના મૃત્યુના આરોપોની તપાસ કરવા અને નકલી દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. કફ સિરપથી બાળકોના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ દવાઓના ઉત્પાદન, પરીક્ષણ અને વિતરણની તપાસની માગ કરી છે. આ સાથે બાળકોના મૃત્યુની તપાસ CBIને સોંપવાની પણ માગ કરવામાં આવી છે.
Reporter: admin







