જાલંધર: ટર્બન ટોર્નાડો નામથી પ્રખ્યાત ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક ફૌજા સિંહને તેમના વતન પંજાબના જાલંધર જિલ્લામાં સોમવારે એક એસયુવીએ ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું.
પંજાબ પોલીસે ફૌજા સિંહને ટક્કર મારનાર ૩૦ વર્ષીય એસયુવી ચાલક એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી હતી.પંજાબના જાલંધરમાં સોમવારે દુનિયાના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ફૌજા સિંહનું ૧૧૪ વર્ષની વયે માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું હતું. ફૌજા સિંહને તેમના ઘરની બહાર એક ફોર્ચ્યુનર એસયુવીએ ટક્કર મારી દીધી હતી. માથામાં ઈજા થવાના કારણે ફૌજા સિંહનું હોસ્પિટલમાં સોમવારે સાંજે નિધન થયું હતું. અકસ્માતના સાક્ષીઓએ દાવો કર્યો હતો કે, એસયુવી ટકરાયા પછી ફૌજા સિંહ પાંચથી સાત ફૂટ હવામાં ઉછળ્યા હતા.
આદમપુર પોલીસ સ્ટેશનના એસએચઓ હરદેવપ્રીત સિંહે કહ્યું કે, ફૌજા સિંહને ટક્કર માર્યા પછી એસયુવી ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને સીસીટીવી ફૂટેજ ચકાસી એસયુવી ડ્રાઈવરની તપાસ હાથ ધરી હતી.ફૌજા સિંહની અંતિમ ઈચ્છા તેમના છેલ્લા દિવસો બ્રિટનમાં પસાર કરવાની હતી, જે પૂરી થઈ શકી નહીં. એક સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે ૨૦૧૫માં પંજાબમાં આવેલા ફૌજા સિંહે તે સમયે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પંજાબમાં દરેક જગ્યાએ અસામાજિક તત્વો છે અને પોલીસ કશું જ નથી કરી રહી. કોઈ જાણતું નથી કે કોણ ક્યારે અને ક્યાં આવીને તમને ચાકુ હુલાવી દે, લૂંટી લે અને ભાગી જાય. લંડનમાં આવી સ્થિતિ નથી. તેથી હું મારા અંતિમ દિવસો લંડનમાં પસાર કરવા માગું છું.
Reporter: admin







