અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ હાલમાં ભારતની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા છે.
આ દરમિયાન તેઓ પત્ની જેનેટ રુબિયો સાથે તાજ મહલની મુલાકાતે પહોંચ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે તાજમહેલનો દીદાર કર્યા બાદ તેમણે આ ઐતિહાસિક સ્મારકને દુનિયાભરમાં પ્રેમની સૌથી સુંદર નિશાની ગણાવ્યું હતું. જોકે, તેમની આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થયો છે. કોન્સુલેટ જનરલ ઓફ ઇરાન ઇન હૈદરાબાદ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માર્કો રુબિયો અને તેમની પત્નીની તાજમહેલ સામેની તસવીર શેર કરીને અમેરિકાની ટીકા કરવામાં આવી હતી.
ઈરાની દૂતાવાસે પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે,જો માર્કો રુબિયોને ઇતિહાસ અને સ્થાપત્ય કળાની સાચી સમજ હોત, તો તેઓ અહીં ફોટો પડાવવા ઊભા ન રહ્યા હોત. પોસ્ટમાં વધુમાં જણાવાયું હતું કે તાજમહેલ મુગલ બાદશાહ દ્વારા તેમની ઈરાની પત્ની મુમતાઝ મહલના પ્રેમમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક સ્મારક છે, જે ઈરાની વાસ્તુકારોની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.ઈરાનની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
Reporter: admin







