ગુલમર્ગ ગોનદોલા ખાતે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ટેકનિકલ ખામીના કારણે રોપ-વે સેવા અચાનક ઠપ થઈ જતાં 300થી વધુ પ્રવાસીઓ હવામાં ફસાઈ ગયા હતા.
જમીનથી આશરે 500 ફૂટ ઊંચાઈએ 65 કેબિનો અટવાઈ જતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એશિયાના સૌથી ઊંચા રોપ-વે પૈકીના એક ગણાતા ગુલમર્ગ રોપ-વેમાં બપોરના સમયે ટેકનિકલ ગરબડ સર્જાઈ હતી. સિસ્ટમ ફરી શરૂ કરવા માટે અનેક પ્રયાસો થયા છતાં ખામી દૂર થઈ ન હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યૂ કામગીરીમાં ભારતીય સેના, NDRF, SDRF અને પોલીસ સહિત વિવિધ એજન્સીઓ જોડાઈ હતી.
દરમિયાન હવામાનમાં પલટો આવી વરસાદ શરૂ થતાં કામગીરી વધુ મુશ્કેલ બની હતી. સતત સાત કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ તમામ પ્રવાસીઓને સલામત રીતે નીચે ઉતારી લેવાયા હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.ઘટના બાદ તાત્કાલિક અસરથી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે અને ટેકનિકલ ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ 2017માં પણ અહીં થયેલા અકસ્માતમાં સાત પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં પણ ટેકનિકલ ખામીના કારણે સેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી.
Reporter:







