ઢાકા : બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની આવામી લીગ દ્વારા ૧૩ નવેમ્બરના રોજ પ્રસ્તાવિત લોકડાઉનની જાહેરાત પહેલાં જ, વર્તમાન વચગાળાની સરકારે મોટી સુરક્ષા કવાયત શરૂ કરી દીધી છે.
અહેવાલો અનુસાર, શેખ હસીનાના પ્રભાવથી ડરી ગયેલી મુહમ્મદ યુનુસ સરકાર હેઠળની પોલીસે સમગ્ર ઢાકા શહેરમાં 7,000 પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે, જેના કારણે શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ કવાયત ૧૪૨ મુખ્ય સ્થળોએ હાથ ધરવામાં આવી, જેમાં વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાનની આસપાસ પણ ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે.પ્રત્યક્ષદર્શીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, શહેરમાં પોલીસની હાજરીમાં થયેલા આ અસામાન્ય વધારાથી ૧૩ નવેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્થાનિક રહેવાસીઓમાં ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
પોલીસે રમખાણો વિરોધી સાધનો સાથે રાહદારીઓની બેગ તપાસી અને શંકાસ્પદ વાહનોનું નિરીક્ષણ કર્યું. ઢાકા પોલીસે ભલે આ તૈનાતીને તેમની 'નિયમિત સુરક્ષા કવાયત' ગણાવી હોય, પરંતુ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ મેગા કવાયતનો હેતુ ૧૩ નવેમ્બર પહેલાં સંભવિત હિંસા કે અશાંતિને રોકવાનો હતો.આ સુરક્ષા કવાયત સેના દ્વારા છેલ્લા ૧૫ મહિનાથી ફરજ પર તૈનાત લગભગ ૬૦,૦૦૦ સૈનિકોમાંથી અડધાને પાછા ખેંચી લીધાના માત્ર ત્રણ દિવસ બાદ આવી છે. સેનાએ સૈનિકોને આરામ અને તાલીમની જરૂરિયાત જણાવી હતી, પરંતુ સાથે જ ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીઓમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું. આ સમયે જ પોલીસ દ્વારા મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી એ રાજકીય ગરમાવો સૂચવે છે.
Reporter: admin







