શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન માંજલપુર પોલીસે જાહેરમાં પત્તા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
માંજલપુર પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એએસઆઈ રોહિતકુમાર રામાભાઈને બાતમી મળી હતી કે, જ્યુપિટર ચાર રસ્તા પાસે ફૂટપાથ પર બાંધવામાં આવેલી ઝૂંપડાની આડમાં કેટલાક લોકો જાહેરમાં પત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ઝડપી પાડીને તેમની સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પકડેલા શખ્સોમાં જશભાઈ ઉર્ફે લાલાભાઈ સોમાભાઈ પટેલ, હિતેશભાઈ નાગેશ્વરભાઈ ગુપ્તા અને મનીષ ઉર્ફે મનીયો કોયરામભાઈ મારવાડીનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીની દોરવણીમાં કરવામાં આવી હતી. પોલીસે તહેવારો દરમિયાન જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા પેટ્રોલિંગ વધુ સઘન બનાવ્યું છે.
Reporter: admin







