વડોદરા: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત મહાવીર હોલ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ દરમિયાન નાગરિકોને નિઃશુલ્ક તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર તુલસીનો છોડ ભારતીય સંસ્કૃતિમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. લોકોના ઘરોમાં સકારાત્મકતા અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ દેશના યુવાનો, રોજગાર, શિક્ષણ અને સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
યુથ કોંગ્રેસના આગેવાન પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે સમાજમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આગામી સમયમાં પણ આવા જનહિતના અને સેવાકીય કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Reporter: admin







