News Portal...

Breaking News :

છાણી ટીપી-13માં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, 31 દબાણો દૂર

2026-06-17 15:53:16
છાણી ટીપી-13માં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, 31 દબાણો દૂર

છાણી ટીપી-13માં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, 31 દબાણો દૂર

વડોદરા: ચોમાસાની શરૂઆત પહેલા શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત આજે છાણી વિસ્તારના ટીપી-13, વહીવટી વોર્ડ નં. 1માં મહાનગરપાલિકાની દબાણ શાખાએ વિશાળ ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ટીપી-13ની પાણીની ટાંકીથી મધુનગર સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

પાલિકાની ટીમે જેસીબી મશીન સહિતના સાધનોની મદદથી રોડ લાઇનમાં આવતા કાચા-પાકા બાંધકામો અને અવરોધરૂપ માળખાં દૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ આ ઝુંબેશ દરમિયાન કુલ 31 જેટલા કાચા-પાકા મકાનો તેમજ ઓટલાના દબાણો હટાવવામાં આવ્યા હતા. વર્ષોથી રસ્તા પર થયેલા આ દબાણોના કારણે વાહનવ્યવહારને મુશ્કેલી પડતી હતી તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ સર્જાતો હતો.

સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત વીજળી સંબંધિત કામગીરી માટે જી.ઈ.બી.ના કર્મચારીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ દબાણો દૂર થતાં માર્ગ વધુ ખુલ્લો બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં સરળતા રહેશે અને વરસાદી પાણીનો નિકાલ પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ચોમાસા પૂર્વે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે અને વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થઈ શકે.

Reporter: admin

Related Post