અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ શનિવારે પોતાની નેશનલ સિક્યોરિટી ટીમના ટોચના અધિકારીઓ સાથે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગુપ્ત બેઠક યોજી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ બેઠકનો મુખ્ય હેતુ ઈરાન સામેની આગામી વ્યૂહરચના અને સંભવિત સૈન્ય કાર્યવાહી પર ચર્ચા કરવાનો હતો.આ હાઈ-લેવલ મીટિંગ ટ્રમ્પના ઈરાન વિરુદ્ધના આકરા નિવેદન બાદ યોજાઈ હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા લખ્યું હતું કે, “ઈરાન માટે ઘડિયાળના કાંટા ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે તાત્કાલિક નિર્ણય લેવો પડશે, નહિતર તેમનું કંઈ જ બાકી નહીં રહે.” ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
અહેવાલો મુજબ, વર્જિનિયા સ્થિત ટ્રમ્પના ગોલ્ફ ક્લબમાં યોજાયેલી આ બેઠકમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફ અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ટ્રમ્પ ચીનના મહત્વપૂર્ણ પ્રવાસેથી પરત ફર્યાના થોડા જ કલાકોમાં આ બેઠક બોલાવવામાં આવી હતી. ચીન અને ઈરાન વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોને ધ્યાનમાં લેતા વૈશ્વિક રાજકીય સમીકરણોમાં પણ ભારે હલચલ મચી છે.અમેરિકી વહીવટીતંત્રનું માનવું છે કે ઈરાન રાજદ્વારી ચર્ચાઓને ખેંચી રહ્યું છે, જેના કારણે હવે વોશિંગ્ટનની ધીરજ ખૂટી રહી છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને ઓઈલ સપ્લાય પર પડતી અસરને કારણે વૈશ્વિક બજારોમાં પણ અસ્થિરતા વધી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત વધારો અને વૈશ્વિક વેપાર પર પડતા પ્રભાવને કારણે દુનિયાભરના દેશોમાં ચિંતા વધી ગઈ છે.વિશ્લેષકોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બનશે તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે.
Reporter: admin







