News Portal...

Breaking News :

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગેસ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ

2026-02-05 10:33:09
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગેસ ટેન્કર પલટી ખાઈ  ગયા બાદ ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ


મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં  ગઈકાલે મોડી સાંજે એક ગેસ ટેન્કર પલટી ખાઈ  ગયા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાના કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો.


હજારો વાહનો આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયાં હતાં. કાર, બસ સહિતના વાહનોમાં પ્રવાસ કરતા હજારો લોકોએ મંગળવારની આખી રાત ઘાટ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં ભૂખ્યા તરસ્યા વિતાવી હતી. ખોરાક, પાણી વિના લોકો ટળવળ્યા હતા. વોશરુમ જવા ઈચ્છતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તથા બીમાર લોકોની હાલત કફોડી બની હતી. દેશનાં મહત્વનાં બે શહેર વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે આ રીતે ૨૪-૨૪ કલાક માટે ઠપ થઈ જતાં લોકોએ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વરસાવ્યો હતો. ગેસ લીકેજની અસર નિવારવા માટે પેટ્રોલિયમ કંપનીઓના નિષ્ણાતોને કામે લગાડાયા હતા. હાઈવે  પોલીસને ટ્રાફિક મેનેજ કરવામાં નાકે દમ આવી ગયો હતો.    


ગઈકાલે સાંજે પાંચ વાગ્યે આડોશી ટનલ પાસે ગેસ ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. એક્સપ્રેસવે કંટ્રોલ રૂમ અનુસાર ગેસ ટેન્કર અત્યંત જ્વલનશીલ પ્રોપીલીન ગેસ વહન કરી રહ્યું હતું. ટેન્કરમાંથી હજુ પણ જ્વલનશીલ પ્રોપીલીન ગેસ લીક ??થઈ રહ્યો હોવાથી, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ),સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) ની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. પુણેથી મુંબઈ તરફની લેન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. અનેક વાહનો જૂના પુણે હાઈવે તરફ ડાઈવર્ટ થતાં ત્યાં પણ ટ્રાફીકિ જામ સર્જાયો હતો.  મુંબઈ-પુણે એક્સપ્રેસવે ભારતનો પ્રથમ છ -લેન પહોળો કોંક્રિટ, એક્સેસ- કોન્ટ્રોલડ ટોલ એક્સપ્રેસવે છે. તે મુંબઈ, રાયગઢ અને નવી મુંબઈને પુણે સાથે જોડતો ૯૪.૫  કિમીનું  અંતર ધરાવે છે.

Reporter: admin

Related Post