વડોદરા : રેલવે ડિવિઝન દ્વારા ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્ન વધુ મજબુત બનાવવા માટે ક્યૂ આર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી સુવિધાઓ શરૂ કરી છે.
રેલવે ડિવિઝન અંતર્ગત આવતા 72 સ્ટેશનો પર આ કામ પ્રગતિ હેઠળ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.આમ થવાથી છુટ્ટા પૈસાની સમસ્યા દૂર થશે અને માત્ર સ્કેન કરીને ટિકિટ ભાડાની ચુકવણી કરી શકાશે.દેશના વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડના નિર્દેશ પર,પશ્ચિમ રેલવે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ દિશામાં આગળ વધતા વડોદરા ડિવિઝનમાં ઓનલાઈન પેમેન્ટ વિકલ્પોની સુવિધા આપવા માટે તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે.
રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ અંતર્ગત વડોદરા ડિવિઝનના 72 સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર QR કોડ દ્વારા રેલ ટિકિટ માટે ચુકવણી સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો બીજી તરફ હાલમાં PRS કાઉન્ટર્સ પર આ QR કોડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પ્રગતિ હેઠળ છે.રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ છે.
Reporter: admin