News Portal...

Breaking News :

સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું પસંદગીનું કેન્દ્ર બન્યું

2025-12-23 10:46:05
સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું પસંદગીનું કેન્દ્ર બન્યું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સેમેસ્ટર–૬ના ૪૨ વિદ્યાર્થીઓએ સયાજીબાગ ઝૂમાં ઇન્ટર્નશીપ માટે પસંદગી કરી, સંરક્ષણ અને સંશોધનમાં મળશે વ્યવહારુ અનુભવ.






વડોદરા મહાનગરપાલિકા હસ્તક આવેલા સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયે શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ મેળવી છે. વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય (એમ.એસ. યુનિવર્સિટી)ના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના ભાગરૂપે ઇન્ટર્નશીપ માટે મોટી સંખ્યામાં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની પસંદગી કરી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં ઇન્ટર્નશીપને મહત્વપૂર્ણ અને ફરજિયાત ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ નીતિ અનુસાર એમ.એસ. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને તેમની ઇન્ટર્નશીપ માટે સંસ્થાઓ પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી.

સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન ક્ષમતાઓ અને સંરક્ષણ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી પ્રાણીશાસ્ત્ર વિભાગના બેચલર ઓફ ઝૂઓલોજી (સેમેસ્ટર-૬)માં અભ્યાસ કરતા કુલ ૧૦૬માંથી ૪૨ વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ માટે સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની પસંદગી કરી છે.આ બાબત પ્રાણીસંગ્રહાલયની સંરક્ષણ શિક્ષણ અને સામુદાયિક જોડાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અહીં વિદ્યાર્થીઓને વન્યજીવ વ્યવસ્થાપન, સંરક્ષણ તકનીકો અને સંશોધનમાં વ્યવહારુ અનુભવ મેળવવાનો અવસર મળે છે, જેના કારણે સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય ભાવી વન્યજીવ વ્યાવસાયિકો અને સંરક્ષણવાદીઓ માટે એક આકર્ષક અને ઉપયોગી પ્લેટફોર્મ બની રહ્યું છે.શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રાણીસંગ્રહાલય વચ્ચેનો આ સહયોગ વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓને વ્યાવહારિક શિક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ માટે પ્રતિબદ્ધ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયના મજબૂત શૈક્ષણિક અને સંરક્ષણ કાર્યક્રમોના કારણે તે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે.

Reporter: admin

Related Post