ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમના સમગ્ર પ્રદર્શનની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગ પદ્ધતિ, ટીમની વ્યૂહરચના તેમજ કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વની પણ સમીક્ષા કરવામાં આવશે. આ માહિતી સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી આપી છે.
અહેવાલ મુજબ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સતત મળેલી નિષ્ફળતા બાદ BCCI એ જાણવા માંગે છે કે ટીમની વ્યૂહરચના, ખેલાડીઓની પસંદગી અને મેદાન પરના અમલમાં ક્યાં ખામીઓ રહી છે. જોકે હાલ ગૌતમ ગંભીર અથવા શ્રેયસ અય્યર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેમના કાર્યનું મૂલ્યાંકન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
ગૌતમ ગંભીરનો મુખ્ય કોચ તરીકેનો કરાર 2027 સુધીનો છે, જ્યારે શ્રેયસ અય્યરને તાજેતરમાં જ ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે. ભારતીય ટીમને અગાઉ આયર્લેન્ડ પ્રવાસમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટી-20 શ્રેણીમાં ભારત 0-3થી પાછળ છે, જ્યારે એક મેચ વરસાદને કારણે પરિણામ વિના રહી હતી. તાજેતરમાં રમાયેલી ચોથી મેચમાં પણ ભારતને 9 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થયા છે.
Reporter: admin







