સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ ખાતે ભવ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત કાર્યક્રમ યોજાયો હતો.

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી અને મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક તથા ધ્વજારોહણ કર્યું હતું.ભવ્ય રોડ-શો અને ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ ટીમના એર-શો બાદ વડાપ્રધાન મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી ભારતની આધ્યાત્મિક અને રાષ્ટ્રીય શક્તિ અંગે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં.”વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સોમનાથ માત્ર મંદિર નહીં પરંતુ ભારતની અખંડ આસ્થા, સંસ્કૃતિ અને સંકલ્પનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, દેશે અનેક આક્રમણો અને પડકારો છતાં પોતાની ઓળખ અને શક્તિ જાળવી રાખી છે.

મોદીએ 11 મેના ઐતિહાસિક પરમાણુ પરીક્ષણોની યાદ તાજી કરતાં જણાવ્યું કે, જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા ત્યારે વિશ્વની મોટી શક્તિઓએ ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. “ભારત માટે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, દબાણ ઊભું કરવામાં આવ્યું, છતાં દેશ ડગમગ્યો નહીં. 13 મેના વધારાના પરીક્ષણો બાદ દુનિયાએ ભારતના અડગ રાજકીય સંકલ્પને ઓળખ્યો, એમ તેમણે જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સમગ્ર સોમનાથ પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન મોદીએ મહાદેવની પૂજા-અર્ચના કરી દેશના સુખ, સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેઓ ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરી જનસભાને સંબોધશે.


Reporter: admin







