News Portal...

Breaking News :

બેલ્જિયમ અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે એસ. જયશંકરની મહત્વપૂર્ણ બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા ભાર

2026-07-16 15:55:25
બેલ્જિયમ અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે એસ. જયશંકરની મહત્વપૂર્ણ બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા ભાર

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે બેલ્જિયમ અને યુરોપિયન યુનિયન (EU)ના ટોચના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ દરમિયાન ભારત-બેલ્જિયમ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ઉપરાંત વેપાર, રોકાણ, સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ, કનેક્ટિવિટી અને ટેક્નોલોજી સહયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જયશંકરે બ્રસેલ્સમાં બેલ્જિયમના ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મેક્સ પ્રેવોટ સાથે પ્રથમ ભારત-બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને આ સંવાદ દ્વારા ભારત તથા બેલ્જિયમ વચ્ચેના સહયોગને નવી દિશા મળશે.

બેઠક દરમિયાન રાજકીય, આર્થિક, વેપાર, રોકાણ, સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ, મોબિલિટી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત બંદરો, દરિયાઈ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સહકાર વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.
વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે બંને પક્ષોએ વૈશ્વિક પરિસ્થિતિ, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિ અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સંકલન વધારવા પર ભાર મૂક્યો હતો.
જયશંકરે યુરોપિયન કમિશનના આંતરરાષ્ટ્રીય ભાગીદારી કમિશનર જોસેફ સિકા સાથે પણ બેઠક યોજી હતી. જેમાં ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે કનેક્ટિવિટી, ત્રિપક્ષીય સહયોગ, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) અને ગ્રીન શિપિંગ જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમણે યુરોપિયન યુનિયનની સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને ઇનોવેશન કમિશનર એકાતેરિના ઝાખારિએવા સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં સ્વચ્છ અને હરિત ઊર્જા ટેક્નોલોજી, સંશોધન, ઇનોવેશન સેન્ટર, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને 'હોરાઇઝન યુરોપ' કાર્યક્રમ હેઠળ ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
વિદેશમંત્રીના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ સંશોધન, નવીનતા અને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો પર વિચારવિમર્શ કર્યો હતો અને ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જા તથા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ભાગીદારીના મુખ્ય આધારસ્તંભ તરીકે આગળ વધારવા પર સહમતી વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post