પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા સક્રિય, માર્ગો બન્યા સ્વચ્છ અને હરિયાળા
વડોદરા મહાનગરપાલિકાના “વન ડે વન રોડ” અભિયાન અંતર્ગત શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ પંડિત દિનદયાલ ટાઉન હોલ રોડ સુધીના માર્ગ પર રોડની બન્ને બાજુ તેમજ ડિવાઇડર ખાતે સફાઈ અને જાળવણીની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન માર્ગોની આસપાસ ઉગેલા ઝાડ-ઝાંખર, વધેલા ડાળખા અને અનિયંત્રિત વનસ્પતિનું ટ્રિમિંગ તેમજ જરૂરી જગ્યાએ કટીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ રસ્તા અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું.આ કામગીરીમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિય રીતે જોડાયા હતા. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ “વન ડે વન રોડ” અભિયાનનો મુખ્ય હેતુ શહેરના માર્ગોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સૌંદર્યપૂર્ણ બનાવવાનો છે.તંત્ર દ્વારા જણાવાયું છે કે આવી કામગીરી આવનારા દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં હરિયાળો માહોલ જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણ મળી રહે.
Reporter: admin







