નવી દિલ્હીમાં ભારતની આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના અવસરે રવિવારે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) દ્વારા સાયક્લોથોન-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વચ્છ ભારત, હરિત ભારત, ફિટ ભારત' થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં ફિટનેસ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ, રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ, પ્રખ્યાત બોક્સર એમ.સી. મેરી કોમ અને ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતની આઝાદીના 79 વર્ષના પ્રતીકરૂપે એનસીસીના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સના નેતૃત્વમાં 79 એનસીસી કેડેટ્સે 79 કિલોમીટરની પ્રતીકાત્મક સાયકલ યાત્રા કરી હતી. મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી શરૂ થયેલી આ યાત્રા રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ હતી.
કાર્યક્રમ દરમિયાન એનસીસીએ 'ટીબી મુક્ત ભારત', 'સ્વચ્છ ભારત', 'એક પેડ માં કે નામ' અને 'હર ઘર તિરંગા' જેવા રાષ્ટ્રીય અભિયાનો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાયકલને પર્યાવરણમૈત્રી અને ટકાઉ પરિવહનના અસરકારક સાધન તરીકે અપનાવવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ સાયક્લોથોન માત્ર રમતગમત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ શારીરિક તંદુરસ્તી, પર્યાવરણ સંરક્ષણ, માર્ગ સલામતી અને જવાબદાર નાગરિકત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ બની હતી. કાર્યક્રમ દ્વારા યુવાનોને અનુશાસન, ટીમ ભાવના અને રાષ્ટ્રસેવાના મૂલ્યો અપનાવી સશક્ત, સ્વસ્થ અને હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
Reporter: admin







