ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના વધતા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા આજે 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
આ હડતાળમાં દેશભરના અંદાજે 12.5થી 15 લાખ કેમિસ્ટ જોડાશે, જેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દવાની દુકાનો બંધ રહેવાની શક્યતા છે. કેમિસ્ટ સંગઠનનો આક્ષેપ છે કે ઓનલાઇન દવા વેચાણ માટે પૂરતા કડક નિયમો ન હોવાને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર સંકટમાં મુકાયો છે. સાથે જ ઇ-ફાર્મસી મારફતે નકલી દવાઓનું વેચાણ વધતા દર્દીઓની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઉભો થયો હોવાનું સંગઠને જણાવ્યું છે. તાજેતરમાં દેશમાં ₹150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાતા મુદ્દો વધુ ગંભીર બન્યો છે.AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે.એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે સરકારની વર્તમાન નીતિઓ નાના અને મધ્યમ દવા વેપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે.
સંગઠને હડતાળ પાછળ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે.પ્રથમ માંગણી મુજબ, ઓનલાઇન દવાઓના વેચાણ સંબંધિત GSR 817 નોટિફિકેશન તાત્કાલિક રદ કરી નવી નીતિ ઘડવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, કોરોના કાળ દરમિયાન અમલમાં મુકાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને પણ સરકાર પાછા ખેંચે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. ઉપરાંત, ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ લાદવા અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)માં ફેરફાર કરી સ્થાનિક દુકાનદારોનું માર્જિન વધારવાની પણ માંગ કરવામાં આવી છે.હડતાળના પગલે ગુજરાતમાં પણ અનેક મેડિકલ સ્ટોર્સ બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઇમરજન્સી સેવાઓ અને હોસ્પિટલ સંલગ્ન કેટલીક દવા દુકાનો ચાલુ રહે તેવી શક્યતા છે.
Reporter: admin







