કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદની મુલાકાત દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું તેમજ સ્થળ પર કામ કરી રહેલા શ્રમિકો સાથે વાતચીત કરી હતી.
નિરીક્ષણ બાદ મીડિયા સાથે વાત કરતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત વિસ્તારમાં પ્રોજેક્ટની અંદાજે 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, આવતા વર્ષે સુરતથી બિલીમોરા વચ્ચેનો પ્રથમ બુલેટ ટ્રેન સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર વાપી-સુરત, વાપી-અમદાવાદ, અમદાવાદ-ઠાણે અને અંતે અમદાવાદ-મુંબઈ વચ્ચેના સેક્શન શરૂ કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સમગ્ર મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને 2029 સુધી તબક્કાવાર પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તેમણે પ્રોજેક્ટમાં કાર્યરત ઇજનેરો અને શ્રમિકોની કામગીરીની પ્રશંસા કરી હતી.
નિરીક્ષણ દરમિયાન શ્રમિકોએ રેલવે મંત્રી સાથે સેલ્ફી લીધી હતી અને 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવ્યા હતા. કેન્દ્ર સરકારનું માનવું છે કે ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા શરૂ થતાં મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને આધુનિક બનશે.
Reporter: admin







