વેપારીઓને ચકમો આપી ચોરી કરતી પારિવારિક ગેંગનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા
વડોદરા શહેરમાં મકરપુરા, પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ ઇલેક્ટ્રિક તથા કરિયાણાના સામાનની ચોરી કરીને ફરાર થતી એક પારિવારિક ટોળકીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ 4.70 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાં જઈ વેપારીઓનો વિશ્વાસ જીતી લેતી હતી અને બાદમાં ચોરીને અંજામ આપતી હતી. તાજેતરમાં તરસાલી વિસ્તારમાં આવેલી એક ઈલેક્ટ્રિકલ દુકાનમાંથી 8 સીલિંગ પંખા અને 4 બ્લેડ ચોરી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ એક્ટિવા પર સામાન મૂકી ફરાર થઈ ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વેપારીઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ જ ટોળકીએ અન્ય દુકાનમાંથી ત્રણ ગીઝર અને એક પાણીની મોટર પણ ચોરી કરી હતી. શરૂઆતમાં નાના મુદ્દામાલના કારણે ફરિયાદ ન નોંધાઈ હોવા છતાં, બાદમાં સમાન મોડસ ઓપરેન્ડીથી વધુ ચોરીના બનાવ સામે આવ્યા હતા.પાણીગેટ પોલીસે તપાસ દરમિયાન આ ટોળકીનું ભેદ ઉકેલી પિતા, પુત્ર અને પુત્રીને ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ પિયુષભાઈ રાજુભાઈ ઝાલા (38), રાજુભાઈ ગણપતભાઈ ઝાલા (66) અને મોનિકા રાજુભાઈ ઝાલા (35) તરીકે થઈ છે. ત્રણેય એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તમામ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને ચોરી સહિતના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







