લંડન: યુકેના હવામાન વિભાગ ‘મેટ ઓફિસ' અને વેધર મેપ્સ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ આવનારા દિવસોમાં બ્રિટનવાસીઓને હાડ થીજવતી ઠંડી અને ભીષણ બરફવર્ષાનો સામનો કરવો પડશે
સ્કોટલેન્ડથી લઈને સાઉથ કોસ્ટ સુધીનું જનજીવન પ્રભાવિત થવાની શકયતા છે .આંતરરાષ્ટ્રીય અખબાર ‘મિરર'ના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલા તાજેતરના અહેવાલ અનુસાર, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) પર કુદરતી આફત તોળાઈ રહી છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆત અત્યંત ઠંડી સાથે થઈ હતી, ત્યારબાદ થોડા દિવસો માટે વાતાવરણમાં સાધારણ રાહત જોવા મળી હતી. પરંતુ હવે હવામાન વિભાગ અને વિવિધ વેધર મોડેલ્સ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ, જાન્યુઆરી મહિનાનો અંત બ્રિટન માટે અત્યંત કઠિન સાબિત થઈ શકે છે. બ્રિટનના હવામાન નકશાઓ દર્શાવે છે કે દેશનો મોટો ભાગ બરફની ચાદર નીચે ઢંકાઈ જશે.
આ અહેવાલ અને હવામાન વિભાગની આગાહી મુજબ, જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બ્રિટનમાં ‘આર્કટિક બ્લાસ્ટ' એટલે કે ઉત્તર ધ્રુવ તરફથી આવતા અત્યંત ઠંડા પવનોનો કહેર જોવા મળશે. આ શીત લહેરને કારણે દેશના અનેક ભાગોમાં ભારે હિમવર્ષા થવાની પ્રબળ શકયતાઓ છે.હવામાનના નકશાઓમાં દર્શાવ્યા મુજબ, ૩૧ જાન્યુઆરીની આસપાસ મધ્ય સ્કોટલેન્ડ અને ઉત્તરીય ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિ સૌથી વધુ વિકટ બની શકે છે.આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં ૭૦ સેન્ટિમીટર (લગભગ ૨૮ ઇંચ) થી વધુ બરફના થર જામી શકે છે, જે જનજીવનને વ્યાપક અસર કરી શકે છે.ડબલ્યુએક્સ ચાર્ટસ નામના વેધર મેપિંગ ડેટા અનુસાર, ૩૧ જાન્યુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ સ્કોટલેન્ડમાં બરફની ઊંડાઈ ૭૧ સેન્ટિમીટર સુધી પહોંચી શકે છે.
Reporter: admin







